અકસ્માતને પગલે વાહન વ્યવહાર બદલાયો – જાણો કયો છે વૈકલ્પિક રસ્તો
વડોદરામાં બુધવારે (9 જુલાઈ) પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. જોકે, આ દુર્ઘટનાને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલ, આ બ્રિજ દુર્ઘટનાને કારણે વાહનની અવર-દવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરવામાં આવી છે.
બે મુખ્ય રસ્તા કરાયા બંધ
તંત્ર દ્વારા આ વિશે જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુંધી ગંભીરા બ્રિજ ઉપર આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે બે મુખ્ય રસ્તા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને તેમના બદલે ડાયવર્ઝન જાહેર કરાયા છે.
પ્રતિબંધિત રસ્તા
- પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારની વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
- ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે.
- વૈકલ્પિક રૂટઃ
- તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીદા વાસદ થઈને વડોદરા તરફ જવું
- બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઈને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવો.
- પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવું.
- ભરૂચ થી જંબુસર તરફથી સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો કરજણ ભારત માળા એક્સપ્રેસ (દિલ્લી મુંબઈ એક્સપ્રેસ ) અથવા કરજણ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
- સૌરાષ્ટ્ર તરફથી તારાપુરથી બોરસદ થઈ વડોદરા તરફ તેમજ આસોદરથી આંકલાવ તરફ આવતાં ભારે વાહનો નેશનલ નં. 48 તથા એક્સપ્રેસ હાઇવે તથા ભારત માળા (દિલ્લી મુંબઈ એક્સપ્રેસ) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
- આણંદથી વડોદરા તરફ આવતા મહીસાગર નદી ઉપરનો સિધરોટ બ્રિજ ખુબ જૂનો હોવાથી સાવચેતીના ભાગ રૂપે ભારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
જો આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરવામાં આવશે તો, હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કરવાની સત્તા ધરાવે છે.