SIR અપડેટ: આણંદમાં બહુમતી કામ પૂર્ણ, હજુ બાકી મતદારો
આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ની કામગીરી આણંદ જિલ્લામાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે. તારીખ 4 નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ 7 વિધાનસભા મતવિસ્તારમાં કુલ 18,12,327 મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ ફોર્મ પરત મેળવીને એન્યુમરેશન ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આણંદ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી ડૉ.મયુર પરમારના જણાવ્યા મુજબ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મેપિંગ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં જે મતદારોના નામ વર્ષ 2002 માં મળી આવ્યા નથી તેમને નોટિસ આપીને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. ત્યારબાદ તેઓના ફોર્મ સંબંધી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં 2,15,614, બોરસદ વિધાનસભામાં 2,31,040, આંકલાવ વિધાનસભામાં 2,00,190, ઉમરેઠ વિધાનસભામાં 2,35,779, આણંદ વિધાનસભામાં 2,43,231, પેટલાદ વિધાનસભામાં 1,99,465 અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં 1,98,653 મળીને કુલ 15,23,972 ફોર્મની ઓનલાઈન નોંધણી કરવામાં આવી છે. આમ 84.09 ટકા મતદારોના નામની નોંધણી ઓનલાઇન પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી 70 ટકા મતદારો કે જેની વિગત 2002 ની મતદાર યાદીમાંથી મળી આવેલ છે, તેઓના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ થશે. જે મતદારોના નામ 2002 ની મતદાર યાદી સાથે મેપિંગ થયેલ નથી તેમણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ફોર્મમાં દર્શાવેલ સૂચક 12 પુરાવાઓ પૈકીના લાગુ પડતા પુરાવાઓ રજૂ કરવાના રહેશે. આ પુરાવાઓ તેઓ હાલમાં બુથ લેવલ ઓફિસર પાસે જમા કરાવી શકે છે. જેથી વાંધા/ દાવા તબક્કામાં કામગીરીમાં સરળતા રહી શકશે. આમ આણંદ જિલ્લામાં 2,54,742 મતદારોના ફોર્મની મેપિંગ ની કામગીરી હાલ ચાલુમાં છે. જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
આણંદ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કુલ 65,448 મતદારોના મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યુ છે. જ્યારે 34,661 મતદારો બુથ લેવલ ઓફિસર દ્વારા ત્રણ વાર મુલાકાત લેવા છતાં તેમના ઘરના સરનામા ઉપર મળેલ નથી અને 84,982 મતદારો પોતાની વિધાનસભામાંથી અન્યત્ર સ્થળાંતર થયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત 15,879 મતદારોના નામ બે જગ્યાએ ચાલે છે, જે રદ કરવામાં આવ્યા છે અને અન્ય 14,426 મતદારો એટલે કે જેમણે પોતાના ફોર્મ પરત બીએલઓને આપ્યા નથી તેવા મળીને કુલ 2,15,396 મતદારો નો ઘટાડો થશે.
હજુ પણ 14,426 મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. અને કાયમી શિફ્ટ થયેલા હોય તેવા મતદારોએ ફોર્મ નંબર 8 ભરવું જરૂરી છે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તારીખ 1-1-2026 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો ફોર્મ નંબર 6 ભરી શકશે, જેથી તેઓનું નામ મતદાર યાદીમાં આવી શકશે.