Advertisement

NFSA યોજના : સરકાર પાસે નથી લાભ છોડનાર સક્ષમ લોકોની સ્પષ્ટ યાદી

NFSA યોજના : સરકાર પાસે નથી લાભ છોડનાર સક્ષમ લોકોની સ્પષ્ટ યાદી

NFSA યોજના : સરકાર પાસે નથી લાભ છોડનાર સક્ષમ લોકોની સ્પષ્ટ યાદી

સરકારની અનેક યોજનાઓ જરુરતમંદોને લાભ-સહાય પ્રદાન કરતી હોય છે. યોજનાના લાભાર્થીઓ માટેનો ક્રાયટેરિયા પણ નકકી કરાય છે પરંતુ યોજનાના અમલીકરણ બાદ તેના સમયસર અને સાચા ફોલોઅપમાં સગવડીયા નીતિ જોવા મળતી હોય છે. પરિણામે વાસ્તવિક અને ખોટી રીતે લાભ મેળવનાર લાભાર્થીઓનો સાચો આંકડો ખુદ સરકાર પાસે પણ ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ જોવા મળે છે. આવી જ સ્થિતિ ૧૩ વર્ષ અગાઉ સરકારે અમલી બનાવેલા નેશનલ ફુડ સિકયોરીટી એકટ-ર૦૧૩માં હજીયે જોવા મળી રહી છે. આ યોજનામાં આર્થિક રીતે સક્ષમ રેશનકાર્ડધારકોએ સ્વેચ્છાએ સરકારી અનાજ-ગેસ સબસીડીનો લાભ છોડવાનો હતો.

આ યોજનામાં હાસ્યાસ્પદ સાથે ગંભીર સ્થિતિ એ જોવા મળી રહી છે કે આણંદ જિલ્લામાં ૧૩ વર્ષોમાં કેટલાક લોકોએ એનએફએસએ યોજના હેઠળ સરકારી અનાજ-ગેસ સબસીડી છોડી તેની તાલુકાવાઇઝ કે સમગ્ર જિલ્લાની સંયુકત વિગતો જ જિલ્લા પુરવઠા કચેરીએ પહોંચાડવામાં આવી નથી. જેથી યોજના વાસ્તવિક રીતે કેટલી સફળ રહી અને યોજનાનો ખોટી રીતે કેટલા લોકો હજીયે લાભ મેળવી રહ્યા છે તેની સ્પષ્ટતા ખુદ રાજય પુરવઠા તંત્ર પણ ઓનલાઇન વિગતો અપડેટના ચકકરમાં મેળવી ન શકયાનું જોવા મળી રહ્યું છે.

આણંદ જિલ્લામાં બે લાખ ઉપરાંત કાર્ડધારકો પૈકી તેમાં એનએફએસએ, નોન એનએફએસએ, એપીએલ, એપીએલ-૧, બીપીએલ સહિતની જુદી જુદી કેટેગરી છે. જેમાં દરેક કેટેગરીને દર મહિને સરકારી અનાજ સહિતની વસ્તુઓનો જથ્થો કેટલા પ્રમાણમાં મળવાપાત્ર રહેશે તે રાજયસ્તરેથી નકકી કરવામાં આવે છે. દર મહિનાની ૧૫મી તારીખની આસપાસ રાજય પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના રેશનકાર્ડ ધારકોના ડેટાના આધારે અનાજના જથ્થાની ફાળવણી કરતું હોય છે. પરંતુ વાસ્તવમાં અનેક કાર્ડધારકો મહિનાઓ, વર્ષોથી સરકારી અનાજ લેવા ગયા જ ન હોવા છતાંયે તેમના ભાગના અનાજનો જથ્થો ઓનલાઇન ડેટાના આધારે ફાળવાતો હોય છે અને વિતરણ કર્યાની નોંધ પણ થતી હોય છે. આ પ્રકારના ઉપલક અનાજના સ્ટોકનું કાળા બજારમાં વેચાણ સહિતની ગેરરીતિઓ પણ સમયાંતરે પુરવઠા વિભાગની તપાસમાં ઉજાગર થવા પામતી હોય છે. જેમાં ખાસ કરીને સ્ટોકના જથ્થામાં વઘઘટ જોવા મળતી હોય છે. તે સમયે દુકાનના કુલ રેશનકાર્ડધારકોને ધ્યાને લેવામાં આવતા હોય છે. વાસ્તવમાં કુલ પૈકીના અનેક કાર્ડધારકો આર્થિક સક્ષમ હોવાથી સરકારી અનાજ મેળવતા હોતા નથી.પરંતુ કાર્ડની કુલ સંખ્યામાંથી અનાજ ન લેનારની છટણી પ્રકિયાની કોઇ સીસ્ટમ જ ગોઠવવામાં આવી નથી. આ અંગે વિભાગના ના.મામલતદારના જણાવ્યાનુસાર ૩, ૬ કે ૧ર માસ સુધી સતત સરકારી અનાજનો જથ્થો ન મેળવનારના રેશનકાર્ડ સાયલન્ટ થઇ જતા હોય છે. મતલબ કે તેઓનું રેશનકાર્ડ ધારક તરીકે નામ ચાલુ રહે છે પરંતુ કાર્ડ દ્વારા કોઇ ખરીદી થતી ન હોવાની બાબત ઓનલાઇન નોંધણી થઇને રાજયસ્તરે પહોંચતી હોય છે. જો કે કેટલા કાર્ડધારકોએ પોતે આર્થિક રીતે સક્ષમ હોવાથી સરકારી અનાજ-ગેસ સબસીડીનો લાભ છોડી રહ્યા છે તેની સ્પષ્ટ એન્ટ્રી માટે ઓનલાઇન ફોર્મમાં કોઇ કોલમ સહિતની સીસ્ટમ જ ગોઠવવામાં આવી નથી. વધુમાં તાલુકાવાઇઝ મામતદાર અને તાલુકા કમિટી દ્વારા કાર્ડધારકને એનએફએસએ અંતર્ગત સમાવેશ કરવો કે નહીં તેની મંજૂર કરવાની સત્તા આપેલી છે. પરંતુ તેઓ દ્વારા આ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓની કાર્ડ કેટેગરી બદલવામાં આવી તે સહિતની ઓનલાઇન વિગતો રાજય વિભાગમાં જ એકત્ર થાય છે. તાલુકા કે જિલ્લાકક્ષાએ આ મામલે કોરા કાગળ જેવી સ્થિતિ પ્રવર્ત છે.

રેશનકાર્ડમાં વર્ષોથી સંયુકત પરિવારના નામ પૈકી અનેક સરકારી કર્મચારી, મોટા વ્યવસાયી બનવા છતાંયે લાભ છોડવાની તૈયારીનો અભાવ!

ગ્રામ્ય કે શહેરોમાં વસતા પરિવારોમાં મોટાભાગે રેશનકાર્ડમાં પરિવારના તમામ મતલબ કે માતા-પિતા, દિકરો-દિકરી, પુત્રવધુ, પૌત્ર-પૌત્રી વગેરેના નામોનો સમાવેશ હોય છે. જેમાં અગાઉના વર્ષોમાં પિતાની આવક ઓછી કે ખેતી કરતા હોય તો તે મુજબ તેમના રેશનકાર્ડની કેટેગરી નકકી થયેલી હોય છે. પુરવઠા વિભાગના નિયમ પ્રમાણે કાર્ડમાં સામેલ નામો પ્રમાણે દર મહિને અનાજ ફાળવણી-ગેસ સબસીડી અપાતી હોય છે. આ પરિવારો પૈકી અનેકના દિકરા-દિકરી ભણીગણીને સરકારી નોકરી મેળવી હોય, મોટો બિઝનેસ કરીને આઇ.ટી. રીટર્ન ભરતા હોય છતાંયે રેશનકાર્ડમાં તેમના પરિવારની વર્ષોજૂની ઇફેકટ જ હોય છે. મતલબ કે રેશનકાર્ડમાં વર્ષો અગાઉના નામો ધરાવનાર વ્યકિતઓની હાલના સમયની સ્થિતિ અંગેની વાસ્તવિક ચકાસણી માટે પુરવઠા વિભાગ દ્વારા કોઇ સીસ્ટમ જ ડેવલપ કરવામાં આવી નથી. જેથી દર મહિને હજારો કિલો અનાજ ખરેખર મળવાપાત્ર ન હોય તેવા લાભાર્થીઓના નામે ફાળવણી થઇ રહ્યાની વાત અસ્થાને નથી.

રેશન કાર્ડધારકોની વાસ્તવિક આર્થિક સ્થિતિ જાણવા તેમના આઇટી.રીટર્ન ઓનલાઇન નોંધણી સીસ્ટમનું આયોજન

દર મહિને રેશનકાર્ડધારકોની કેટેગરીવાઇઝ સંખ્યામાં ઓનલાઇન વઘઘટ નોંધાતી હોય છે. સરકારની અન્ય યોજનામાં લાભાર્થી તરીકે જોડાવવા માટે વિવિધ દસ્તાવેજોની જરુર પડતી હોવા સામે વર્ષો અગાઉ નીકળેલા રેશનકાર્ડ અને તેમાં દર્શાવેલા નામોની વર્તમાન સમયની સ્થિતિ અંગે કોઇ ચકાસણી કે વિગતો માંગવાની સિસ્ટમ રાજય પુરવઠા વિભાગ દ્વારા ગોઠવવામાં આવી નથી. જેના કારણે અનેક સરકારી દુકાનોમાં પૂરતા અનાજની ફાળવણી ન થયાની, અનાજ કાળા બજારમાં મોકલવા સમયે પકડાઇ જવા સહિતની ફરિયાદો સાંભળવા મળે છે. જો કે રાજય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોની વર્તમાન સમયની વાસ્તવિક ઓળખ મેળવવા આધુનિક નોંધણી સીસ્ટમનું આયોજન કરી રહ્યાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં કાર્ડધારકના આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડની સાથોસાથ હાલમાં નોકરી કે વ્યવસાયની વિગતો સાથે આઇ.ટી.રીટર્નની નકલ વગેરે પુરાવા માંગવામાં આવશે. જેના ક્રોસ વેરીફીકેશન બાદ સાચા લાભાર્થીઓને નિયમોનુસારની કેટેગરી મુજબ અનાજ-સબસીડીનો લાભ અપાશે.જયારે જે કાર્ડધારકે સામેથી લાભ રદ કરાવ્યો નથી પરંતુ વેરીફિકેશનમાં તે અમાન્ય જણાય તો આપોઆપ તેના કાર્ડમાં એન્ટ્રી થઇને ઓનલાઇન જિલ્લા, તાલુકા અને ત્યાંથી ગામ-શહેરની સરકારી દુકાનોમાં વિગતો પહંોંચે તેવી સીસ્ટમ અમલમાં મૂકાનાર હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છેકે, વન નેશન વન રેશનકાર્ડ અભિયાન અંતર્ગત એક જિલ્લાના રેશનકાર્ડધારક મજૂરી, વ્યવસાય અર્થ અન્ય જિલ્લામાં જાય તો ત્યાં પણ તેઓને રેશનકાર્ડનો લાભ મળી રહે છે. જો કે ૩ મહિને તેઓએ મૂળ જિલ્લામાં કાર્ડમાં એન્ટ્રી કરાવવી પડે છે.

કયા કાર્ડધારક સરકારી અનાજ-ગેસ સબસીડીનો લાભ ન મેળવી શકે

- વાર્ષિક આવક રૂ.ર.પ૦ લાખથી વધુ હોય -માલિકીનું ફોર વ્હીલર હોય -ઇન્કમટેકસ ભરતા હોય -શહેરી વિસ્તારમાં કાર્ડધારક થ્રી વ્હીલર ધરાવતા હોય -કુટુંબના કોઇ વ્યકિત સરકારી કર્મચારી હોય -૭.પ એકર જેટલી ખેતીની જમીન ધરાવતા હોય









Advertisement