Advertisement

RBSK યોજનાનો ચમત્કાર: આણંદના ૩ વર્ષના કુંજને મળી નવી વાચા, ₹૭ લાખનું ઓપરેશન ફ્રીમાં થયું

RBSK યોજનાનો ચમત્કાર: આણંદના ૩ વર્ષના કુંજને મળી નવી વાચા, ₹૭ લાખનું ઓપરેશન ફ્રીમાં થયું

આણંદ, સોમવાર :જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે.


પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું . તેમનો પુત્ર કુંજ જન્મજાત બહેરાશની સમસ્યાથી પીડાતો હતો. પરંતુ, સરકારના માનવીય અભિગમ અને 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' (RBSK) ની સતર્કતાને કારણે આજે આ બાળકના જીવનમાં કિલકિલાટ પાછો ફર્યો છે.


          વર્ષ ૨૦૨૨માં ૧૮ સપ્ટેમ્બરના રોજ જન્મેલા કુંજની તકલીફ વિશે પરિવાર અજાણ હતો. ઈસરામાં ગામની આંગણવાડીમાં જ્યારે સીમરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની RBSK ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી, ત્યારે ટીમને શંકા ગઈ કે કુંજને સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે. આર.બી.એસ.કે. ટીમે વિલંબ કર્યા વગર તેને વધુ તપાસ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલ રિફર કર્યો હતો.

           ત્યાંથી વધુ નિષ્ણાત સારવાર માટે કુંજને જિલ્લા કક્ષાએ મંજૂરી મેળવી સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો. તબીબી તપાસ બાદ નિદાન થયું કે કુંજને 'કોક્લીયર ઇમ્પ્લાંટ' ના ઓપરેશનની જરૂર છે.

             સામાન્ય પરિવાર માટે કોક્લીયર ઇમ્પ્લાંટ જેવું મોટું ઓપરેશન કરાવવું આર્થિક રીતે અશક્ય હોય છે, કારણ કે તેનો અંદાજિત ખર્ચ રૂપિયા ૫ થી ૭ લાખ જેટલો થતો હોય છે. અહીં RBSK ટીમ કુંજના પરિવારની વ્હારે આવી અને ટીમે વારંવાર રાકેશભાઈના ઘરે વિઝિટ કરી, ઓપરેશનના ફાયદા સમજાવ્યા અને પરિવારનું મનોબળ વધાર્યું. પરિણામે, ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ સોલા સિવિલ ખાતે કુંજનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તમામ પ્રક્રિયા દરમિયાન આર.બી.એસ.કે. ટીમ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવ્યા હતા અને આજે કુંજની તબિયત એકદમ સારી છે.

                આ ઓપરેશન બાદ કુંજના પિતાએ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જો સરકારે અને આરોગ્ય વિભાગની ટીમે અમને સાથ ન આપ્યો હોત, તો અમે આટલું મોટું ઓપરેશન અમે ક્યારેય ન કરાવી શક્યા હોત. આજે કુંજની તબિયત સારી છે અને તે સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકશે. અમે સરકારશ્રી અને આરોગ્ય વિભાગ તથાRBSK ટીમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

               RBSK યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નવજાત શિશુથી ૧૮ વર્ષના બાળકોમાં જોવા મળતી ખામીઓને વહેલી તકે ઓળખી મફત સારવાર આપવાનો છે. કુંજના કિસ્સામાં આ યોજના સાચા અર્થમાં સાર્થક થઈ છે.


Advertisement