ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની ચાલુ વર્ષ 2026ની IPL રમશે, જેની સત્તાવાર પુષ્ટિ CSKના મુખ્ય કાર્યકારી કાશી વિશ્વનાથને કરી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી એવી અટકળો હતી કે IPL 2026ની સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તરફથી હવે સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે ધોની આ IPL સિઝનમાં રમતો દેખાશે. જેથી તેના કરોડો ચાહકોમાં ખુશી લહેર દોડી ગઈ છે.
છેલ્લી સિઝનમાં CSKનો ખરાબ દેખાવ
છેલ્લી IPL સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર CSKનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઈજાને કારણે નિયુક્ત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટુર્નામેન્ટની વચ્ચેથી બહાર થઈ ગયા હતા, જેના પગલે ધોનીને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. જો કે, છેલ્લી સિઝન CSK માટે નિરાશાજનક રહી હતી. ટીમે 14માંથી ફક્ત ચાર મેચ જીતી હતી અને IPL ઈતિહાસમાં પ્રથમ વખત પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.ધોનીની IPL કરિયર
મહેન્દ્ર સિંહ ધોની અને CSK એકબીજાના પર્યાય બની ગયા છે. તે વર્ષ 2016 અને 2017 સિવાય દરેક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યા છે. વર્ષ 2016 અને 2017માં તેમણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટને IPLમાં અત્યાર સુધીમાં 278 મેચ રમી છે અને 5,439 રન બનાવ્યા છે. વર્ષ 2026ની સિઝન માટે પણ ધોનીની હાજરી CSKના ચાહકો માટે એક મોટો ઉત્સાહનો સ્ત્રોત બની રહેશે.