Advertisement

Gujarat Budget 2026-27 LIVE : ગુજરાત વિધાનસભામાં બજેટની શરૂઆત થઈ

Gujarat Budget 2026-27 LIVE :  ગુજરાત વિધાનસભામાં બજેટની શરૂઆત થઈ

01-વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત ૨૪ વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.


02-જી.એસ.ટી.માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે. જે બદલ માનનીય વડાપ્રધાનનો રાજ્યના તમામ નાગરિકો વતી હું આભાર માનું છું. વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે. ​આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન મોદીજીને જાય છે. 


03-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાનાં ૭૫ વર્ષ સને ૨૦૩૫માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@૨૦૪૭ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@૨૦૩૫ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.


04-'વિકાસમાં કોઈ પાાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે'ની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ અવસરે માનનીય વડાપ્રધાનશ્રીએ જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹૨ લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોના આયોજનની જાહેરાત કરેલ છે. ​અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન(PM JANMAN) હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫માં એનાયત કરવામાં આવ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.  


05-વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલ વાઇબ્રન્‍ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને એક નવી જ ઉડાન મળી છે. જેને આગળ વધારતાં રાજ્ય સરકારે વાઇબ્રન્‍ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કરેલ છે. જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે.


Advertisement