અમદાવાદ શહેરમાં આવનારી હોળી-ધુળેટી અને પવિત્ર રમઝાન માસને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ઝોન-5 અને ઝોન-6 વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંવેદનશીલ તેમજ મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ હિસ્ટ્રીશીટરો અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે.
ઝોન-5 વિસ્તારમાં ખાસ કરીને રબારી કોલોની ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી કારોના કાચ પર લગાવવામાં આવેલી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ સ્થળ પર જ દૂર કરાઈ હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારો દરમિયાન કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તે જ સમયે ઝોન-6 પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા બજારો, સાંકડી ગલીઓ તેમજ મકાનોની અગાસીઓ પર નજર રાખવા માટે નાઈટ વિઝન સજ્જ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રમઝાનની રાત્રિઓમાં ધમધમતા વિસ્તારોમાં 2 PI અને 5 PSI સહિતનો પોલીસ કાફલો મેદાનમાં ઉતરીને સતત મોનીટરીંગ કરી રહ્યો છે.
આધુનિક ડ્રોન ટેકનોલોજી અને વધારાના પોલીસ બંદોબસ્તની મદદથી શહેરમાં તહેવારો દરમિયાન શાંતિ, સુરક્ષા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ બની છે.