Advertisement

35 કરોડની મંજૂરી છતાં તુલસી ગરનાળા પર બોક્ષ ડ્રેઇન નહીં: આણંદની ટ્રાફિક સમસ્યા યથાવત

35 કરોડની મંજૂરી છતાં તુલસી ગરનાળા પર બોક્ષ ડ્રેઇન નહીં: આણંદની ટ્રાફિક સમસ્યા યથાવત

આણંદના તુલસી ગરનાળા થી ચિખોદરા નેશનલ હાઈવે  48ને જોડતા કાંસ પર બોક્ષ ડ્રેઇન બનાવીને ફોરલેન માર્ગ બનાવવા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કર્યાના ત્રણ વર્ષો કામગીરી થઇ શકી નથી. સરકાર દ્વારા ગણેશ ચોકડી નજીક રેલ્વે ફાટક પર ફ્લાય ઓવરની મંજૂરી અપાતા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે 2023માં તત્કાલીન કલેકટર સમક્ષ સાંસદે તથા ધારાસભ્યે તુલસી ગરનાળા થઇ ચિખોદરા ચોકડી સુધીના માર્ગ ને ફોરલેન બનાવવા રજૂઆત કરી હતી. જેથી પૂર્વ કલેકટર દ્વારા રૂ 35 કરોડના ખર્ચે નિર્માણ માટે મંજૂરી આપી હતી.


જે સાથે બાદમાં રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયા ની આણંદ મુલાકાત સમયે આ માર્ગ પરથી પસાર થતા કાંસ ને બોક્ષ ડ્રેઇન બનાવવા રજૂઆત કરી હતી. જેનો મંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવી બનાવવાની જાહેરાત કરાઇ હતી.તે વાતને ત્રણ વર્ષે થઇ ગયા છતાં આજદિન સુધી તે દિશામાં કોઇ જ કાર્યવાહી થઇ નથી. આ મામલે બે માસ પૂર્વે આણંદ રેલ્વે સ્ટેશનની વેસ્ટર્ન ઝોન જનરલ મેનેજર વિવેક ગુપ્તાની મુલાકાત સમયે ધારાસભ્ય દ્વારા તુલસી ગરનાળા ને દ્વિમાર્ગી બનાવવા રજૂઆત કરી હતી.


શહેરમાં પ્રવેશવાનો ત્રીજો માર્ગ ઉપલબ્ધ થતાં ટ્રાફિકની સમસ્યા હલ થાય

હાલમાં શહેરમાં પ્રવેશવા માટે ચિખોદાર ચોકડી અને સામરખા ચોકડી બે માર્ગ છે. હાલમાં પૂર્વ વિસ્તારમાંથી દૈનિક 20 હજારથી વધુ વાહનો પ્રવેશે છે. જેના કારણે બંને માર્ગ પર ટ્રાફિક જામ થઇ જાય છે. ત્યારે જો કાંસ પર બોક્ષ ડ્રેઇન બનાવીને ફોર લેન રોડ બનાવવામાં આવે તો ભાલેજ ઓવરબ્રિજ સહિત ગણેશ ચોકડી પર ટ્રાફિક સમસ્યા હલ થાય તેમ છે.

Advertisement