Advertisement

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’ જાહેર, સિંહ-દીપડા-વાઘ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’ જાહેર, સિંહ-દીપડા-વાઘ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય

ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે અસ્તિત્વ ધરાવે છે.  નોંધનીય છે કે આશરે 33 વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.

રતનમહાલ બન્યું વાઘનું નવું સરનામું

દાહોદ જિલ્લામાં આવેલું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ ઐતિહાસિક જાહેરાતનું મુખ્ય કારણ બન્યું છે. છેલ્લા 10 મહિનાથી રતનમહાલના જંગલોમાં એક નર વાઘ ટ્રેપ કેમેરામાં સતત કેદ થઈ રહ્યો છે. આ વાઘે આ વિસ્તારને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના નક્કર પુરાવા મળતા NTCAએ આ નિર્ણય લીધો છે.

હવે ‘ટાઈગર રિઝર્વ’ બનાવવાની તૈયારી!

મળતી માહિતી અનુસાર, ગુજરાત વન વિભાગ આ ઉપલબ્ધિને પગલે હવે રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેને લઈને વાઘનો વંશવેલો વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. વાઘ માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે જંગલમાં તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત વાઘના સંરક્ષણ માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ અને અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે.

વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ

અત્યાર સુધી ગુજરાતની ઓળખ વિશ્વભરમાં માત્ર 'એશિયાટિક સિંહો'ના ઘર તરીકે હતી, પરંતુ હવે 'ટાઈગર સ્ટેટ'નો દરજ્જો મળતા પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની ખ્યાતિ વૈશ્વિક સ્તરે વધશે. વન્યજીવ નિષ્ણાતો માને છે કે આનાથી ઈકો-ટુરિઝમને વેગ મળશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે.

Advertisement