જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બાળ લગ્ન નાબૂદી માટે એક વિશેષ જાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવાનો સંકલ્પ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં કાનૂની ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક કાર્યકરો અને યુવા સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના વરિષ્ઠ ન્યાયાધીશ એસ. એલ. ઠક્કર (પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ચીફ જસ્ટિસ) દ્વારા લીલી ઝંડી આપીને આ જાગૃતિ રથને રવાના કરવામાં આવ્યો હતો. આ રથ જિલ્લાના વિવિધ ગામડાઓ અને તાલુકા મથકોએ ફરીને લોકોને બાળ લગ્નથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે માહિતગાર કરશે.
આ અભિયાનમાં 'Just Rights', 'Pristi' અને 'Child Marriage Free Bharat' જેવી સંસ્થાઓ સક્રિયપણે જોડાઈ છે. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બાળ લગ્નની ગંભીરતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, બાળ લગ્નને કારણે નાની ઉંમરે દીકરીઓ માતા બને છે, જેનાથી માતા અને બાળક બંનેમાં કુપોષણ અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
વક્તાઓએ વધુમાં ઉમેર્યું કે, બાળ લગ્ન માત્ર કાયદાકીય ગુનો જ નથી, પરંતુ તે બાળકના ઉજ્જવળ ભવિષ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. આ પ્રસંગે હાજર રહેલા નર્સિંગ વિદ્યાર્થીઓ અને વકીલોએ પ્લેકાર્ડ્સ દ્વારા "આવો મળીને ભરીએ કદમ, બાળ લગ્નને કરીએ ખતમ" જેવા સંદેશા આપ્યા હતા.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જણાવ્યા મુજબ, આ રથ દ્વારા ગામે-ગામ સભાઓ યોજવામાં આવશે અને લોકોને કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર કરવામાં આવશે. આ અભિયાનનો અંતિમ લક્ષ્ય 100% બાળ લગ્ન નાબૂદી હાંસલ કરવાનો છે.