Advertisement

હોળી-ધુળેટી પહેલા વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ડ્રોનથી 24 કલાક નજર

હોળી-ધુળેટી પહેલા વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ડ્રોનથી 24 કલાક નજર

વડોદરા શહેરમાં હોળી અને ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા આધુનિક ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરાવવામાં આવી રહ્યું છે, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.


તહેવાર દરમિયાન દારૂબંધીના કડક અમલ માટે પણ પોલીસ તંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. શહેરમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કે સેવન સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સ્ક્વોડ કાર્યરત કરવામાં આવ્યા છે.


પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી રાહદારીઓ, વાહન ચાલકો તેમજ જાહેર કે ખાનગી મિલકત પર કેમિકલ મિશ્રિત કે હાનિકારક પદાર્થો ધરાવતા રંગો છાંટવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના તળાવો, કેનાલો અને નદી સહિતના જાહેર જળાશયો પર નાહવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેથી કોઈ દુર્ઘટના ન બને.


જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી સાથે ધરપકડ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે હોળી-ધુળેટી ઉજવાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

Advertisement