હાર્ડવેર વેપારીઓ સાથે 81 લાખની છેતરપિંડી, મહેળાવ પોલીસે ગુનો નોંધ્યો
આણંદ-વિદ્યાનગરના હાર્ડવેર, બિલ્ડીંગ મટીરીયલનું વેચાણ કરતાં વેપારીઓ સાથે રૂપિયા 81 લાખ ઉપરાંતની છેતરપિંડી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મૂળ અમદાવાદના અને હાલમાં નડિયાદ ખાતે રહેતા ગઠિયાએ, બે શખસ સાથે મળીને માલ-સામાન ખરીદ કર્યા બાદ ચેકથી નાણા ચૂકવ્યા હતા. જે બાઉન્સ થયા હતા. આજદિન સુધી આ નાણાં ન આપતા આખરે મહેળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદમાં ઓમકારેશ્વર મહાદેવ રોડ સ્થિત 57 વર્ષીય પીનાકીન ચીમનલાલ મીસ્ત્રી રહે છે. તેઓની આણંદ ગામડી વડ ખાતે શ્રી વિશ્વકર્મા હાર્ડવેરની દુકાન આવેલી છે. ગત 10 જુલાઈના રોજ તેમનાં મોબાઈલ નંબર ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારા શખસે બાંધણી ચોકડી પેટલાદ રોડ ઉપર જલારામ ટ્રેડીંગ નામની દુકાન હોવાની અને તે બીલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું. તેમના વ્હોટસએપ પર વિઝીટીંગ કાર્ડ મોકલીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં 17મી જુલાઈએ પિનાકીનભાઈ બાંધણી ચોકડી પેટલાદ રોડ ઉપર આવેલી જલારામ ટ્રેડીંગ નામની દુકાન ઉપર ગયાં હતાં. તે વખતે દુકાન ઉપર એક વ્યક્તિ બેઠેલ હતો. જેમાં તેણે પોતાનું નામ ગોપાલ કરશનલાલ ઠક્કર જે મૂળ અમદાવાદનો અને હાલમાં નડિયાદનો હોવાનું કહ્યું હતું.
બીજી તરફ થોડો વખત વાતચીત કર્યા બાદ ગોપાલે પિનાકીન મિસ્ત્રીને 480 નંગ યુરોપા કંપનીના લૉકનો ઓર્ડર આપ્યો હતો. જે પેટે તેણે એડવાન્સ પેટે રૂપિયા 50 હજારનો ચેક આપ્યો હતો. જે ચેક પાસ થયો હતો. બાદમાં બીજી તરફ 1.87 અને 1.72 લાખના બે ચેક આપ્યા હતા. જે બાઉન્સ થતાં જ તેઓ તેમની દુકાને ગયા હતા. પરંતુ દુકાને તાળું હતું અને તેમના ફોન પણ બંધ આવતા હતા. તેઓ દુકાને હાજર હતા ત્યારે અનાયાસે જ ત્યાં તેમના પ્લાયવુડનો વેપાર કરતા મિત્ર સત્યમ પટેલ તેમજ અનિલ પટેલ પણ આવી પહોંચ્યા હતા. તેમની સાથે વાતચીત કરતા તેમના પણ ચેક બાઉન્સ થયા હોવાનું અને પ્લાયવુડના સામાનની ખરીદીના બહાને ઠગાઈ કરી હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ વાત વાયુવેગે આણંદ-વિદ્યાનગરના માર્કેટમાં પ્રસરી જતાં આણંદ વિદ્યાનગર તેમજ આજુબાજુના બિલ્ડીંગ મટીરીયલનો વ્યવસાય કરતાં અલગ-અલગ 30થી વધુ દુકાનના માલિકો પાસેથી ગોપાલભાઈ અને તેમના બે ભાગીદારોએ સિમેન્ટ, લોક, કલર, મેટ્રેસ સહિત અન્ય સામગ્રીનો ઓર્ડર લીધો હતો. વેપારીએ ગોપાલભાઈ અને તેના બે ભાગીદારોને માલસામાન સપ્લાય કરી આપ્યો હતો. જેના બદલામાં દુકાન માલિકોને ગોપાલભાઈ અને તેના બે ભાગીદારોએ જુદી જુદી રકમના રૂપિયા 81 લાખના ચેક લખી આપ્યાં હતાં. દુકાન માલિકોએ આ ચેકો બેંકમાં ભરતા તમામ દુકાનદારોના ચેક રિટર્ન થયા હતાં. આ અંગે મહેળાવ પોલીસે ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.