સોજિત્રાના ત્રણ શખસોએ હપ્તો ભરવાની શરતે પાંચ માસ અગાઉ બોરસદના દાવોલ ખાતે રહેતા યુવક પાસેથી રૂપિયા 10 લાખનું પીકઅપ ડાલુ, બાકી લોનના 68 હપ્તા ભરવાની શરતે વેચાણે રાખ્યા બાદ તે બારોબાર સગેવગે કરી દીધું હતું.
બોરસદના દાવોલ સ્થિત પીપળીયાપુરા ખાતે 32 વર્ષીય સંજયભાઈ મફતભાઈ ગોહેલ રહે છે. તેમને શાકભાજીનો ધંધો કરવો હોય તેમણે ફાયનાન્સમાંથી એકાદ વર્ષ અગાઉ પીકઅપ ડાલુ ખરીદ્યું હતું. એ પેટે તેમણે 1.20 લાખ ભર્યા હતા અને હપ્તો રૂપિયા 20500 હતા. જોકે, યુવકે 9 હપ્તા ભર્યા હતા, 63 બાકી હતી. દરમિયાન, કેન્સરને કારણે તેની માતાનું મૃત્યુ થતાં જ અને સારવારમાં પૈસા ખર્ચાઈ જતા યુવકને આર્થિક સંકડામણ રહેતી હતી. જેને પગલે તેણે તેનું પીકઅપ ડાલુ વેચવા કાઢ્યું હતું. દરમિયાન, તેના મિત્ર થકી ગત 2 સપ્ટેમ્બરના રોજ સોજિત્રાના સકીલ સિરાઝ વ્હોરાનો સંપર્ક થયો હતો. તેની સાથે સોજિત્રાના જ અન્ય બે શખસ સરફરાઝ મહંમદ વ્હોરા અને મતીન વ્હોરા પણ હતા.
આ ત્રણેય જણાએ પીકઅપ ડાલુ પસંદ પડી ગયું હોવાનું જણાવ્યું હતું. અને તે પેટે તેને પહેલાં રૂપિયા 1.38 લાખ, થોડા સમય બાદ 98 હજાર અને 40 હજાર ચૂકવ્યા હતા. વધુમાં બાકી રહેલા 63 હપ્તા પણ ચૂકવી દેશે તેમ કહી, નોટરી કરાવી હતી. બીજી તરફ પીક અપ ડાલુના હપ્તા ન ભરાતા રીકવરીવાળાઓએ તેને પેનલ્ટી સાથે નોટીસ પાઠવી ત્યારે તેણે સકીલનો સંપર્ક કરતા સકીલે એ સમયે તેનો હપ્તો ભરી દેજો પછીથી પૈસા આપી દઈશ તેમ કહ્યું હતું. પરંતુ તેના પૈસા તેણે ચૂકવ્યા નહોતા.
જેને કારણે યુવકે તપાસ કરતા સકીલ તેમજ તેની સાથેના બંને શખસોએ તેની જાણ બહાર બારોબાર તે ડાલુ સગેવગે કરી દીધું હોવાનું અને તે લોનના હપ્તા ભરતો ન હોવાનું જણાવ્યું હતું. ત્રણેય જણાં આ પ્રકારની ઠગાઈ કરવાની વૃતિ ધરાવતા હોય તેણે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.