સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું: ગઢડા-ઉમરાળામાં 14, પાલીતાણામાં 12 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે સિઝનના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં કુલ 15 ટકા વરસાદ તો વરસી ગયો છે. છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે. તે જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે પણ મેઘરાજા ભૂક્કા કાઢશે.
રાજ્યભરના વરસાદના આંકડા પર નજર કરીએ તો
- કચ્છમાં 6.95 ટકા,
- ઉત્તર ગુજરાતમાં 3.80 ટકા,
- મધ્ય ગુજરાતમાં 7.45 ટકા,
- દક્ષિણ ગુજરાતમાં 4.47 ટકા અને
- સૌષ્ટ્માં 14.83 ટકા સાથે રાજ્યમાં સિઝનનો વરસાદ 7.90 ટકાએ પહોંચ્યો છે.
ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 221 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ, સિહોરમાં 11.6 ઈંચ વરસાદ, બોટાદમાં 11, જેસરમાં 10.7 ઈંચ વરસાદ, ઉમરાળામાં 10.4, સાવરકુંડલામાં 10 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ, રાજુલામાં 7.4, અમરેલીમાં 6.8 ઈંચ વરસાદ, લીલીયામાં 6.7 ઈંચ, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ, ચોટીલામાં 6.2 ઈંચ, તળાજામાં 6.1 ઈંચ વરસાદ, ગારીયાધારમાં 5.9, વીંછીયામાં 5.9 ઈંચ વરસાદ, હાંસોટમાં 5.4, મોરબીમાં 4.9, બાબરામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો.આ સિવાય ખાંભામાં 4.1, ટંકારામાં 3.9,જસદણમાં 3.9 ઈંચ, ચુડા, સાયલામાં 3.9, થાનગઢમાં 3.7 ઈંચ વરસાદ, મૂળીમાં 3.7,જૂનાગઢમાં 3.6 ઈંચ વરસાદ, હળવદમાં 3.5, ભાવનગરમાં 3.5 ઈંચ વરસાદ, જેતપુરમાં3.5, ઓલપાડમાં 3.3 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 3.3, લાઠીમાં 3.2 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 3.2, વડિયામાં 2.8 ઈંચ વરસાદ, ઉમરગામમાં 2.7, કલ્યાણપુરમાં 2.6 ઈંચ વરસાદ, ભેસાણમાં 2.6, બાલાસિનોરમાં 2.6 ઈંચ વરસાદ, બરવાળા, બગસરામાં 2.6, પાદરામાં 2.5 ઈંચ વરસાદ, ભરૂચ, લોધિકા, ઘોઘામાં 2.4 ઈંચ વરસાદ, ઉનામાં 2.3, વાંકાનેર, જંબુરસમાં 2.2 ઈંચ વરસાદ, કપડવંજ, પોરબંદર, ઉપલેટામાં 2.2 ઈંચ વરસાદ,વંથલીમાં 2.2, બોડેલી, ધંધુકામાં 2.1 ઈંચ વરસાદ, ગોંડલમાં 2.1, સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, રાજકોટ, મેંદરડા, ડોલવણ, દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં અન્યત્ર જ્યાં ભારે વરસાદ પડયો તેમાં અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટનો સમાવેશ થાય છે. સાવરકુંડલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી મેઘમહેર શરૂ થતાં તેના પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક ચેકડેમો છલકાઈ ગયા છે. જયારે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળતા અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો થોડી રાહત મળી છે. અને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. પડોશી સંઘપ્રદેશમાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઇ નદી, નાળા, કોતરડા અને ઝરણાઓ વહેતા થયા છે. વલસાડ જીલ્લામાં ધીરે ધીરે ચોમાસાની મોસમ જોર પકડી રહી છે. વિતેલા 24 કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 3 ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત કપરાડામાં 2.5 ઈંચ, વાપીમાં 1 ઈંચ, વલસાડ અને પારડીમાં 0.5 ઈંચ વરસાદ ઝીકાયો હતો. પડોશી સંઘપ્રદેશ દા.ન.હવેલીમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે દમણમાં ર ઈંચ વરસાદ પડયો હતો.વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં ગઇકાલથી આવેલા બદલાવ સાથે વર્ષાઋતુનું સત્તાવાર આગમન થઇ ગયું છે. જિલ્લાના ડભોઇમાં ગઇરાત્રે છ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં.એકસાથે છ ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. અચાનક પડેલા ભારે વરસાદના કારણે અંતરિયાળ ગામોના કેટલાંક રોડ પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી.
આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર શ્રીગણેશ થઈ ગયા છે ત્યારે પહેલાં જ દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, મંગળવારે જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે. સાથે સાથે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ વરસાદ થવાના કારણે ખેડૂતોને હાશકારો થયો છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. આ સાથે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે.
આજે : અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા, આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન
18 જૂન: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
19 જૂન: હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે. છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી
તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવા સીએમની તાકીદ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે.
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી–નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.
ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ, બે નું રેસ્ક્યૂ
સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલો સમય વિતી ગયો હોવાછતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.