સોજીત્રા સી.સી. પટેલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ સુવિધા શરૂ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલના હસ્તે શુભારંભ
સોજીત્રા શહેરની સી.સી. પટેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલના પ્રયત્નોથી આ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ માટે મંજૂરી મળી હતી, જેના કારણે દર્દીઓને હવે નજીકમાં જ મફત અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થશે.
આ સુવિધા શરૂ થવાથી સોજીત્રા અને આસપાસના વિસ્તારના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે દૂર જવું નહીં પડે. આયુષ્યમાન કાર્ડ ધારકો અહીં નિઃશુલ્ક સારવારનો લાભ લઈ શકશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહતરૂપ બનશે.
આ પ્રસંગે ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ઉપરાંત સોજીત્રા શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, આગેવાનો, હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ડોકટરો અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.