Advertisement

સોજીત્રામાં વીજ કનેક્શન કાપવા ગયેલા કર્મચારીઓ પર બેટથી હુમલો

સોજીત્રામાં વીજ કનેક્શન કાપવા ગયેલા કર્મચારીઓ પર બેટથી હુમલો

સોજીત્રા તાલુકાના દેવાતળપદના લક્ષ્મીપુરા વિસ્તારમાં વીજ કંપનીના કર્મચારીઓ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. સરકારી ફરજ બજાવી રહેલા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના બે કર્મચારીઓ પર સ્થાનિક શખ્સે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જીઈબીના કર્મચારીઓ ઝાકીરહુસેન અને વનરાજસિંહ લક્ષ્મીપુરા વિસ્તારમાં બાકી લેણાં અથવા નિયમ મુજબ વીજ કનેક્શન કાપવાની કામગીરી માટે ગયા હતા.


જીઈબીના બે કર્મચારીઓ ઉપર હુમલો

આ દરમિયાન સ્થાનિક રહીશ સુનિલ ચંદુભાઈ ગોહેલ ઉશ્કેરાઈ ગયો હતો અને કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. આરોપીએ ઉશ્કેરાઈને કર્મચારી ઝાકીરહુસેનને લાફો મારી દીધો હતો. ત્યારબાદ વાત આટલેથી ન અટકતા, આરોપીએ બીજા કર્મચારી વનરાજસિંહ પર બેટ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને શરીરે ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરે કર્મચારીઓને સ્પષ્ટ ધમકી આપી હતી કે જો ફરીથી કનેક્શન કાપવા આવશો તો તમને જાનથી મારી નાખીશ.


જાનથી મારી નાખવાની આપી ધમકી 

સરકારી કર્મચારીઓ પર હુમલો અને ફરજમાં રુકાવટના પગલે વીજ કંપનીના અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોજીત્રા પોલીસ મથકે સુનિલ ચંદુભાઈ ગોહેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વીજ કંપનીના અન્ય કર્મચારીઓમાં પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ.


Advertisement