સોજિત્રા પંથકમાં સ્માર્ટ મીટર કામગીરી તેજ : 11,062 થી વધુ મીટર ઇન્સ્ટોલ
સોજિત્રા પંથકમાં સ્માર્ટ મીટર યોજના અંતર્ગત કુલ 33,918 મીટરમાંથી 11,062 થી વધુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સોજિત્રા જીઈબી હેઠળ આવતા 26 ગામોમાં આ કામગીરી ચાલી રહી છે, જેમાં શરૂઆતમાં નાગરિકો અને વેપારીઓ તરફથી વિરોધ નોંધાયો હતો. હાલ 22,856 સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી પ્રગતિમાં છે.
આ યોજના હેઠળ મેઘલપુર તાલુકાનું પ્રથમ ગામ છે જ્યાં સ્માર્ટ મીટરનું 100 ટકા ઇન્સ્ટોલેશન પૂર્ણ થયું છે. જોકે, કાસોર, પીપળાવ, ભલાડા અને સોજિત્રા નગરમાં કામગીરી 20 ટકા કરતાં ઓછી નોંધાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ ગયું છે અને બાકીના વિસ્તારોમાં ટૂંક સમયમાં કામગીરી પૂરી કરાશે.
યોજનાના પ્રારંભિક તબક્કામાં, સ્માર્ટ મીટરથી વીજ બિલમાં વધારો થશે, તકનીકી ખામીઓ સર્જાશે અને સામાન્ય જનતાને મુશ્કેલી પડશે તેવી આશંકાઓ સાથે કેટલાક વિસ્તારોમાં વિરોધ થયો હતો. જોકે, જીઈબીના અધિકારીઓએ જાહેર જનતા માટે માર્ગદર્શન બેઠકો યોજી, માહિતી આપતી જાહેરાતો પ્રસિદ્ધ કરી અને સમજૂતી આપતા ધીમે ધીમે વિરોધ શાંત પડ્યો હતો.
વીજ વિભાગના જણાવ્યા અનુસાર, સ્માર્ટ મીટરથી વીજ વપરાશનું ચોક્કસ માપન, રિયલ ટાઈમ રીડિંગ, બિલિંગમાં પારદર્શિતા અને લોડ મેનેજમેન્ટમાં સુધારો શક્ય બનશે. આ ઉપરાંત, મીટર રીડિંગ માટે માનવ સંસાધનની જરૂરિયાત ઘટશે અને ફરિયાદોનું નિરાકરણ ઝડપથી થઈ શકશે.
કેટલાક સ્થાનિક નાગરિકોએ શરૂઆતના સંશય બાદ સ્માર્ટ મીટરની કામગીરીને સ્વીકારી છે. તેઓએ જણાવ્યું કે મોબાઈલ એપ દ્વારા વપરાશની વિગતો મળતી હોવાથી વીજ વપરાશ પર નિયંત્રણ રાખવું સરળ બન્યું છે. પ્રથમ બિલ આવ્યા બાદ વીજધારકોમાં વિશ્વાસ વધ્યો છે, જેના કારણે સ્માર્ટ મીટર ફીટિંગ કર્મચારીઓને હવે કોઈ મુશ્કેલી પડતી નથી. પૂરતી માહિતીના અભાવે ગ્રાહકોમાં અસંતોષ હતો, પરંતુ હવે ગેરસમજ દૂર થઈ રહી છે.
જોકે, પ્રારંભિક વિરોધ બાદ ઇન્સ્ટોલેશન પ્રક્રિયા આગળ વધી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં હજી પણ શંકા અને અસંતોષ પ્રવર્તે છે. આ અંગે વીજ વિભાગે સ્પષ્ટતા કરી છે કે સ્માર્ટ મીટર સંપૂર્ણપણે ઓટોમેટિક સિસ્ટમ પર આધારિત હોવાથી માનવ ભૂલની શક્યતા ઓછી છે. રિયલ ટાઈમ રીડિંગ અને ડિજિટલ ડેટાના આધારે બિલ જનરેટ થતું હોવાથી ગેરરીતિની કોઈ શક્યતા નથી. જો કોઈ ગ્રાહકને બિલ સંબંધિત વાંધો હોય, તો તેઓ નિયત પ્રક્રિયા મુજબ ફરિયાદ કરી શકે છે. વીજ વિભાગે ભવિષ્યમાં સ્માર્ટ મીટર એપ્લિકેશન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજીને નાગરિકોને સંપૂર્ણ માહિતી આપવાની પણ યોજના બનાવી છે, જેથી ભ્રમ દૂર થાય અને યોજનાના લાભો સ્પષ્ટ રીતે સમજી શકાય.