સોજિત્રા તાલુકાના મલાતજ ગામના તળાવમાં મગરોના બચ્ચાંનો જન્મ, અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણથી મગરોની સંખ્યામાં સતત વધારો
સોજિત્રા તાલુકાના મલાતજ ગામના તળાવમાં ઈંડા સેવનની ઋતુમાં મગરોના બચ્ચાંનો જન્મ થયો છે. અહીં અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણથી છેલ્લા કેટલાક વર્ષોથી મગરોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.
તળાવમાં વર્ષભર પૂરતું પાણી, આસપાસ કુદરતી વનસ્પતિ, માછલીઓ અને અન્ય આહારની ઉપલબ્ધિ તેમજ ઓછો માનવ હસ્તક્ષેપ મગરોની પ્રજનન પ્રક્રિયાને સફળ બનાવી રહ્યા છે. આ અંગે દયા ફાઉન્ડેશન અને નેચર ક્લબના વૉલીએન્ટરોએ જણાવ્યું કે, અગાઉ ભાગ્યે જ જોવા મળતા મગરો હવે તળાવના વિવિધ ભાગોમાં સરળતાથી નજરે પડે છે. સવારે વહેલી કલાકો અને સાંજના સમયે તળાવ કિનારે મગરોને સૂર્યસ્નાન કરતા જોવું સામાન્ય બન્યું છે. એક અંદાજ મુજબ, તળાવમાં 60થી વધુ મગરો વસવાટ કરે છે.
નેચર ક્લબના વૉલીએન્ટરો દ્વારા ગ્રામજનોને તળાવમાં કપડાં ધોવા, પશુઓને પાણી પીવડાવવા કે બિનજરૂરી રીતે નજીક જવાનું ટાળવા સૂચનાઓ આપવામાં આવી છે. બાળકોને તળાવથી દૂર રાખવા અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.