સોજિત્રા પંથકમાં છેલ્લા બે વર્ષથી ટામેટી અને મરચી જેવા રોકડીયા પાકોમાં સતત નુકસાન સહન કરી રહેલા ખેડૂતો હવે પાક ફેરબદલ તરફ વળ્યા છે. બજારમાં ભાવ ધરાશાયી થવા, ઉત્પાદન ખર્ચની સરખામણીએ પોષણક્ષમ વળતર ન મળવા તેમજ કુદરતી આફતોના મારને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હતી. ઉપરાંત મોંઘીદાટ દવાઓ, ખાતર અને નાજુક છોડમાં આવતા સુકાળા અને કોકડવાટથી ખેડૂતોને આર્થિક રીતે સામનો કરવો પડતો હતો આવી સ્થિતિમાં ઉનાળુ ડાંગરની ખેતી ખેડૂતો માટે આશાનો કિરણ બની ઉભરી છે.
પંથકમાં અગાઉ મોટા પ્રમાણમાં ટામેટી અને મરચી જેવા પાકોની ખેતી થતી હતી. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન ક્યારેક અતિઉત્પાદન, તો ક્યારેક ભાવ પડતા અને જીવાત-રોગચાળાના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. ટામેટીનો ભાવ ઘણી વખત તોડણી ખર્ચ પણ કાઢી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ખેડૂતોને લોનના ભાર સાથે નિરાશાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતો હવે ઓછા જોખમ અને નિશ્ચિત વળતર આપતી ખેતી તરફ વળ્યા છે. સિંચાઈ સુવિધા, પાણીની ઉપલબ્ધતા અને સરકારી નીતિઓને ધ્યાનમાં રાખી આ વર્ષે સોજિત્રા તાલુકામાં ટામેટી અને મરચીની ખેતી હવે માત્ર નામ પૂરતી રહી છે આખા તાલુકામાં માંડ અંદાજે 8 હેક્ટર જેટલી જમીનમાં શાકભાજી જ્યારે મોટાભાગનો વિસ્તાર ઉનાળુ ડાંગરથી ઢંકાઈ ગયો છે મોટાભાગે ડાંગરની રોપણી પૂર્ણતા તરફ છે ઉનાળુ ડાંગરની ખેતીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખેડૂતોનું માનવું છે કે ડાંગરમાં ઉત્પાદન ખર્ચ તુલનાત્મક રીતે નિયંત્રિત રહે છે તેમજ વેચાણ સમયે ભાવની અનિશ્ચિતતા ઓછી હોય છે.ટામેટી અને મરચીમાં મહેનત વધુ અને વળતર ઓછું મળ્યું. બે વર્ષના નુકસાન બાદ હવે જોખમ ઉઠાવવાની સ્થિતિ નથી.
કૃષિ નિષ્ણાતોનું પણ માનવું છે કે પાક ફેરબદલ ખેડૂતો માટે જરૂરી બની ગયો છે. એકજ પ્રકારના પાક પર નિર્ભરતા ખેડૂતોને આર્થિક રીતે અસુરક્ષિત બનાવે છે. ઉનાળુ ડાંગર સાથે જો યોગ્ય માર્ગદર્શન અને પાણી વ્યવસ્થાપન કરવામાં આવે તો ખેડૂતોને સ્થિર આવક મળી શકે છે.કુલ મળીને, ટામેટી પાકમાં થયેલા નુકસાન બાદ ખેડૂતોનો આ પાક ફેરબદલ નિર્ણય તેમની મજબૂરી પણ છે અને ભવિષ્ય માટેનું સંભવિત બચાવ પગલું પણ છે. હવે આવનારા દિવસોમાં ડાંગરની ખેતી ખેડૂતોની આર્થિક સ્થિતિને કેટલો સહારો આપે છે, તે સમય જ કહેશે.