સોજિત્રાના ફુનીબા પુસ્તકાલય હોલ ખાતે રવિવારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ ભાવેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, સમાજમાં સમરસતા અને સંગઠન શક્તિ મજબૂત હોય ત્યારે જ રાષ્ટ્રના પડકારોનો સામનો શક્ય છે.
સંમેલનમાં મુખ્ય વક્તા શુદ્ધ ચરિત્રદાસ સ્વામીએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં હિન્દુ જાગરણ માટે નવી ઊર્જા અને ચેતનાનો સંચાર અનિવાર્ય છે. સનાતન સંસ્કૃતિના પાયાના મૂલ્યો જાળવી રાખીને જ સમર્થ અને શક્તિશાળી ભારતનું નિર્માણ શક્ય છે.
આ કાર્યક્રમમાં સતકેવલ સંપ્રદાય (પાંચલીપુરા) ના બાલકનાથ મહારાજ અને સંતરામ મંદિર (સોજિત્રા) ના શરણદાસ મહારાજ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાયેલી ભક્તિમય સાંસ્કૃતિક કૃતિઓથી થઈ હતી.
આ સંમેલનમાં સોજિત્રા પંથકના ગ્રામજનો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજક સમિતિ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું.