સોજિત્રાના રૂણજ ગામે પોસ્ટ ઓફિસમાં ઉચાપત, પોસ્ટ માસ્તરે 54 હજાર ગબન કર્યા હોવાનો કેસ નોંધાયો
સોજિત્રાના રૂણજ ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તરે બે વર્ષ અગાઉ ચાર માસના સમયગાળામાં ખાતેદારોએ જમા કરાવેલા રીકરીંગના નાણાં બચતખાતામાં જમા ન કરાવી રૂપિયા 54 હજાર વાપરી નાંખ્યા હતા. આ અંગે સોજિત્રા પોલીસે પોસ્ટ માસ્તર વિરૂદ્ધ ઉચાપતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદના રાસ ગામે રોનક રાજુ પટેલ રહે છે. તેઓ વર્ષ 2023માં સોજિત્રાના રૂણજ ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન, વર્ષ 2023માં 2 જાન્યુઆરીથી, 8 મી મે સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ પાંચેક ખાતેદારો દ્વારા રીકરીંગ, એફડી તેમજ સુકન્યા સમૃદ્ધિના નાણાં તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે, પોસ્ટ માસ્તરે પાસબુકમાં એન્ટ્રી પાડી, પરંતુ તેના નાણા ખાતામાં જમા કરાવ્યા નહોતા. અને તમામ ખાતેદારોના મળીને કુલ રૂપિયા 54 હજાર અંગત વપરાશમાં વાપરી નાંખ્યા હતા. ઓડિટ દરમિયાન આ ઉચાપત બહાર આવી હતી. આ નાણાં પોસ્ટ માસ્તરે વાપરી નાંખ્યા હોઈ પેટલાદમાં પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્ર પ્રજાપતિએ આ મામલે સોજિત્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ માસ્તર વિરૂદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.