Advertisement

સેવા, સંસ્કાર અને સંવેદનાનો સંગમ: ગોકુલધામ,નાર ખાતે અષ્ટમ પાટોત્સવ અને 24 મો સમૂહ લગ્ન

સેવા, સંસ્કાર અને સંવેદનાનો સંગમ: ગોકુલધામ,નાર ખાતે અષ્ટમ પાટોત્સવ અને 24 મો સમૂહ લગ્ન

સ્વામિનારાયણ ગોકુલધામ,નાર ખાતે આજે અષ્ટમ પાટોત્સવ અને 24 મો સમૂહ લગ્ન સમારંભ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે દિવ્યાંગ તથા માતા-પિતા વિહોણી 51 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન થયા, જે સમાજમાં કરુણા, સહકાર અને સંવેદનાનું જીવંત ઉદાહરણ બન્યા. સાથે જ આત્મનિર્ભરતા હેતુથી 25 વિધવા તથા ત્યક્તા બહેનોને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું. ગોકુલધામ દ્વારા અત્યાર સુધીમાં 23 સમૂહ લગ્ન દ્વારા કુલ 684 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે, જે સંસ્થાની દીર્ઘકાલીન સેવાભાવનાનો દ્રઢ પુરાવો છે. 


આ પાવન પ્રસંગે ઉપસ્થિત સંત-મહાત્માઓએ ગોકુલધામ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતી દિવ્યાંગજન સેવા, અનાથ અને વંચિત દીકરીઓના સમૂહ લગ્ન, વિધવા-ત્યક્તા બહેનોના પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની પ્રસંશા કરી અને જણાવ્યું કે આવી સેવાપ્રવૃત્તિઓ સમાજને સાચી દિશા આપે છે સાથે જ સેવાનું મહત્વ સમજાવી નવયુગલોને સુખી, સંસ્કારી અને સહયોગી દાંપત્ય જીવન માટે હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા.


આ ભવ્ય આયોજનમાં ગુરુવર્ય મોહનસ્વામી, પ.પૂ. નૌતમ સ્વામી, પ.પૂ. સંતવલ્લભદાસ સ્વામી, પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી, પ.પૂ. હરિકેશવદાસજી સ્વામી સહિત અનેક સંતમહાત્માઓની પાવન ઉપસ્થિતિ રહી. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી કાર્યક્રમને દિવ્ય બનાવ્યો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ તેમજ સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા. જળયાત્રા, અન્નકૂટ, મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ સેવાભાવ અને સંસ્કારોથી પરિપૂર્ણ બન્યું.

Advertisement