Advertisement

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં કરોડોની જમીન ડીલમાં નાયબ મામલતદાર ફસાયા

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં કરોડોની જમીન ડીલમાં નાયબ મામલતદાર ફસાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આજે EDની ટીમ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.

કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ રડારમાં

મંગળવાર વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (NA શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના PA (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. 

NA શાખાના કૌભાંડની પ્રબળ આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી EDને મળી હતી. આ તપાસમાં EDએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, EDની ટીમે તપાસ દરમિયાન એસીબી (ACB)ના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા, જે સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો તરફ ઈશારો કરે છે. જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ED ત્રાટકતા આખા જિલ્લાના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દરોડાના ત્રણ દિવસ પહેલા જ શાખા વિખેરી દેવાઈ હતી

આ સમગ્ર કેસમાં સૌથી શંકાસ્પદ પાસું એ છે કે, EDના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક NA (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી.  નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.

આગળની કાર્યવાહી

હાલમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ED દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં અન્ય મોટા માથાની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Advertisement