સુરત કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, રાત્રે 2 વાગ્યે ઈ-મેઈલથી ખળભળાટ
ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદ બાદ હવે સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને નિશાન બનાવવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઈલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
મોડી રાત્રે 2 વાગ્યે મળ્યોધમકીભર્યો મેઈલ
મળતી વિગતો અનુસાર, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર મેઈલ આઈડી પર ગત રાત્રે આશરે 2:00 વાગ્યે અંગ્રેજીમાં એક ઈ-મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકો (RDX) દ્વારા ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આજે વહેલી સવારે જ્યારે કોર્ટના કર્મચારીઓએ ફરજ પર આવીને મેઈલ ચેક કર્યો, ત્યારે આ બાબત સામે આવી હતી.
પ્રિન્સિપલ જજ એક્શનમાં: કામકાજ સ્થગિત
મેઈલની ગંભીરતાને જોતા કર્મચારીઓએ તુરંત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરી હતી. જજ સાહેબે તાત્કાલિક અસરથી પોલીસ તંત્રને સતર્ક કરવા આદેશ આપ્યા હતા. જ્યાં સુધી પ્રિન્સિપલ જજ દ્વારા નવો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોર્ટનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુરક્ષા એજન્સીઓનું સઘન સર્ચ ઓપરેશન
ધમકી મળતાની સાથે જ સુરત પોલીસની વિવિધ પાંખો હરકતમાં આવી ગઈ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટના સમગ્ર પરિસરને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો તપાસમાં જોડાઈ છે. કોર્ટના ખૂણેખૂણા, ચેમ્બર્સ અને પાર્કિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે 'રાત્રે 2 વાગ્યે RDXથી કોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી. સવારે સ્ટાફે મેઈલ જોતા જ જજ સાહેબને જાણ કરી અને વગર વિલંબે પોલીસને બોલાવી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે અને જજ સાહેબના આદેશ સુધી કામકાજ બંધ રહેશે.'
અમદાવાદ બાદ હવે સુરત નિશાન પર
ગઈકાલે જ એટલે કે 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ (ઇન્કમટેક્સ પાસે) ને પણ આ જ પ્રકારે ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. અમદાવાદમાં પણ નવરંગપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને ધમકી મળતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ હવે આ મેઈલ મોકલનારના મૂળ સુધી પહોંચવા સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે.