Advertisement

સીવીએમ (CVM) યુનિવર્સિટી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે MoU સંપન્ન

સીવીએમ (CVM) યુનિવર્સિટી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે MoU સંપન્ન

ચારુતર વિદ્યા મંડળ (CVM) યુનિવર્સિટી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે 4 ફેબ્રુઆરીના રોજ એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડેરી સેક્ટરમાં વાસ્તવિક ફિલ્ડ એક્સપોઝર અને વ્યવહારિક જ્ઞાન પૂરું પાડવાનો છે.


MoU પર NDDBના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ. રાજીવ અને CVM યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. ડૉ. સંદીપ વાલિયાએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને 'વિકસિત ભારત'ના વિઝનને અનુરૂપ છે, જે વિદ્યાર્થીઓને સંશોધન, વિકાસ અને ઔદ્યોગિક તાલીમ ક્ષેત્રે વ્યાપક તકો પૂરી પાડવા માટે CVM યુનિવર્સિટીના સતત પ્રયાસોનો એક ભાગ છે.


યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભિખુભાઈ પટેલે જણાવ્યું હતું કે NDDB સાથેના આ MoUથી વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા ગાળાની ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટર્નશિપ દ્વારા વાસ્તવિક ફિલ્ડ એક્સપોઝર અને જ્ઞાન પ્રાપ્ત થશે. આ ભાગીદારી એકેડેમિયા-ઇન્ડસ્ટ્રી સંબંધોને વધુ મજબૂત બનાવશે, જેના પરિણામે સંયુક્ત સંશોધન, તાલીમ કાર્યક્રમો, ઔદ્યોગિક મુલાકાતો, નિષ્ણાતોના વ્યાખ્યાનો અને કન્સલ્ટન્સી જેવી પ્રવૃત્તિઓને વેગ મળશે.


તેમણે ઉમેર્યું હતું કે, આ MoU દ્વારા બંને સંસ્થાઓના નિષ્ણાતો અને સંસાધનોના સમન્વયથી એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ અને લો જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ લાયકાત ધરાવતું માનવબળ તૈયાર થશે. આનાથી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની ગુણવત્તા અને સંખ્યામાં પણ વધારો થશે.


NDDBના ચેરમેન ડો. મીનેશ શાહે MoUને વેગવંતુ બનાવવા માટે જરૂરી સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી. તેમણે CVM યુનિવર્સિટીના તજજ્ઞો, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વધુ અભ્યાસ અર્થે સ્પોન્સર કરવાની કટિબદ્ધતા પણ દર્શાવી. NDDB અને તેની અંતર્ગત સંસ્થાઓ દ્વારા સાથે મળીને સંશોધન પ્રોજેક્ટ્સ, પાયાની સંશોધન પ્રવૃત્તિઓ, પ્રોસેસ અને પ્રોડક્ટ ઇમ્પ્રુવમેન્ટ ઉપરાંત ગુણવત્તાના માપદંડો પર ભાર મૂકવામાં આવશે.


આ પ્રસંગે NDDBના ચેરમેન ડો. મીનેશ શાહ, ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભિખુભાઈ પટેલ, CVMના માનદ સહ મંત્રી મેહુલ પટેલ અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડો.) ઈન્દ્રજિત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજિત પટેલે ચારુતર વિદ્યા મંડળના વિઝન અને શૈક્ષણિક સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.


મેહુલ પટેલે યુનિવર્સિટીની ભાવિ દિશા વિશે ચર્ચા કરી હતી, જ્યારે ભિખુભાઈ પટેલે ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે સેતુ બાંધતા આ MoUને બિરદાવ્યા હતા. બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા યુનિવર્સિટીની ગવર્નિંગ બોડીના માર્ગદર્શન હેઠળ પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથે MoU કરવાના આ પ્રયાસો બદલ પ્રો. (ડો.) દર્શક દેસાઈ, મિનેષ અમીન અને સમગ્ર યુનિવર્સિટી ટીમની પ્રશંસા કરવામાં આવી હતી.

Advertisement