સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક કૌશલ્ય અને સંસ્કૃતિના જતન માટે તારીખ ૧૨/૦૨/૨૦૨૬ થી પરંપરાગત રમતોત્સવનું સતત ત્રીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના બાકરોલ સ્થિત સરદાર પટેલ મેદાન ખાતે આ રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવશ્રી તેમજ શારીરિક શિક્ષણ વિભાગના કાર્યકારી નિયામક ડો. ભાઈલાલભાઈ પટેલ અને વિવિધ વિભાગના વડાશ્રીઓની ગરિમામય ઉપસ્થિતિમાં રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિશ્રી પ્રોફેસર ડો. નિરંજનભાઇ પટેલે જણાવ્યું હતું કે : "છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટી આ પ્રકારની પરંપરાગત રમતોનું સફળ આયોજન કરી રહી છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ સતત મોબાઈલની દુનિયામાં ખોવાયેલા રહે છે, તેમને મેદાન પર પાછા લાવવા અને આપણી વિસરાતી જતી રમતોથી પરિચિત કરાવવા એ આ આયોજનનો મુખ્ય હેતુ છે."
આ રમતોત્સવમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગિલી ડંડા અને લખોટીઓ, સતોડ્યું અને ભમરડા, કોથળાદોડ અને લંગડી, લીંબુ ચમચી.
આ આયોજનમાં યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વધશે અને તેઓ માનસિક તેમજ શારીરિક રીતે મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.