Advertisement

શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે લીધી આણંદ સ્થિત ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની મુલાકાત

શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે લીધી આણંદ સ્થિત ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની મુલાકાત

 શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરામુના (JVP) ના જનરલ સેક્રેટરી તિલ્વિન સિલ્વાના નેતૃત્વમાં સાત સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સફળ સહકારી માળખાને સમજવાનો અને તેમાંથી પ્રેરણા મેળવવાનો હતો. પ્રતિનિધિમંડળે અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત લીધા બાદ આણંદ સ્થિત IRMA-“ત્રિભુવન” સહકારી યુનિવર્સિટી (TSU) કેમ્પસની મુલાકાત લીધી હતી.


             આ મુલાકાતમાં શ્રીલંકાના પ્રતિનિધિમંડળના સાતેય સભ્યો સામેલ હતા, જેમાં JVP ના જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો જેવા કે સેન્ટ્રલ કમિટી મેમ્બરશ્રી જનક અધિકારી, સંસદ સભ્યશ્રી કિતનન સેલવરાજ, સંસદ સભ્ય શ્રી કરુણાનાન્થન હંકુમારન અને મીડિયા યુનિટ હેડ હેમાથિલાકા ગામેગે, ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના સભ્ય બી.આર. કલ્પના મધુભાષિની અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર ડો. રામબાબુ સી. નો સમાવેશ થાય છે.              


            મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે IRMA ના ગૌરવશાળી વારસા અને TSU ના સહકારી શિક્ષણના વિવિધ પાસાઓ અંગે તેમજ ભારતના સહકારી ક્ષેત્રમાં આવી રહેલા મોટા ફેરફારો, નવી રજૂ કરાયેલી 'ભારત ટેક્સી' જેવી પહેલો અને આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલી આગામી નવીનતાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.  


           આ તકે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ હાથ ધરેલા વિવિધ સંશોધનો અને તાલીમ કાર્યક્રમોની માહિતી પણ રજૂ કરી હતી. પ્રતિનિધીમંડળે ઇરમાના કેમ્પસમાં શિક્ષણ અર્થે ઉભી કરાયેલ વ્યવસ્થાને વખાણી હતી. આ વેળાએ તેઓએ વિવિધ ક્લાસરૂમ, લાયબ્રેરી, ઇન્ક્યૂબેશન સેન્ટર, ઓડિટોરિયમ હૉલની મુલાકાત લીધી હતી. જેમાં લાયબ્રેરીની મુલાકાત દરમિયાન તિલ્વિન સિલ્વાએ લાયબ્રેરીની વિઝિટર બુકમાં પોતાના અનુભવો અંગે નોંધ લખી આ મુલાકાતને યાદગાર ગણાવી હતી.


            યુનિવર્સિટી ખાતે IRMA ના ડિરેક્ટર અને TSU ના સ્કૂલ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટના ડીન ડૉ. સાસ્વત નારાયણ બિશ્વાસ દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે આણંદ શહેરના મામલતદાર, યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના પ્રાધ્યાપકઓ અને યુનિવર્સિટીના સંચાર સંચાલક સહિત અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement