Advertisement

શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આણંદ સ્થિત અમૂલ ડેરીની મુલાકાત લીધી

શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આણંદ સ્થિત અમૂલ ડેરીની મુલાકાત લીધી

ભારતની સહકારી ચળવળ અને શ્વેત ક્રાંતિના સફળ મોડેલને સમજવાના હેતુથી શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરમુના (JVP) ના જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને તેમની સાથે આવેલા પાંચ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે ગુજરાતના આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી.


             આ મુલાકાત દરમિયાન ડેરીના મેનેજમેન્ટ ટીમ દ્વારા પ્રતિનિધિમંડળને એક વિશેષ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુતિ બતાવવામાં આવી હતી. આ પ્રસ્તુતિ દ્વારા ગુજરાતમાં સહકારી ચળવળના ઇતિહાસ, તેના ક્રમિક વિકાસ અને ભવિષ્યના સંભવિત વિકાસના લક્ષ્યાંકો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. 


             આ દરમિયાન પ્રેઝન્ટેશનના માધ્યમથી શ્રીલંકાના પ્રતિનિધિમંડળને અમૂલના વહીવટી માળખા, માર્કેટિંગ વ્યૂહરચના અને મજબૂત સપ્લાય ચેઈન મેનેજમેન્ટ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા. તેમજ અમૂલના સહકારી મોડેલ દ્વારા ગ્રામીણ સ્તરે આવતા સામાજિક પરિવર્તન અને પશુપાલકોના આર્થિક ઉત્થાનની કાર્યપદ્ધતિ અંગે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.


             ત્યારબાદ, જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો જેવા કે સેન્ટ્રલ કમિટી મેમ્બર જનક અધિકારી, સંસદ સભ્ય કિતનન સેલવરાજ, સંસદ સભ્ય કરુણાનાન્થન હંકુમારન અને મીડિયા યુનિટ હેડ હેમાથિલાકા ગામેગે, ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના સભ્ય બી.આર. કલ્પના મધુભાષિની અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર ડો. રામબાબુ સી. એ અમૂલના પ્લાન્ટ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી.


             મુલાકાતના અંતે તિલવિન સિલ્વાએ વિઝિટર બુકમાં પોતાના અનુભવો પણ નોંધાવ્યા હતા. અને તેમણે અમૂલનું સહકારી મોડેલ વિશ્વ માટે એક પ્રેરણાસ્ત્રોત છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના ઉત્થાન માટે આ મોડેલ અત્યંત પ્રશંસનીય હોવાનું આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. 

Advertisement