મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવને કારણે આજે ભારતીય શેરબજારમાં ભારે ખળભળાટ જોવા મળ્યો છે. Iran અને United States સાથે Israel વચ્ચે વધતા સૈન્ય તણાવ અને યુદ્ધની ભીતિએ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી શરૂ થઈ ગઈ હતી. વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર ભારતીય બજારમાં જોવા મળી અને મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
BSE Sensexમાં આજે બજાર ખુલતાની સાથે જ પ્રચંડ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 78,918.90 ના અગાઉના બંધની સરખામણીએ લગભગ 2,271.52 પોઈન્ટ તૂટીને 76,647.38 સુધી ગગડ્યો હતો, જે લગભગ 2.88 ટકાનો ઘટાડો દર્શાવે છે. ટ્રેડિંગ દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી સરક્યું હતું, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી ગઈ હતી.
બીજી તરફ NIFTY 50ની સ્થિતિ પણ ખાસ સારી રહી નહોતી. નિફ્ટી 687.45 પોઈન્ટ તૂટીને 23,763.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે લગભગ 2.81 ટકાનો ઘટાડો દર્શાવે છે. નિફ્ટી 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી પહોંચી ગયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મિડલ ઈસ્ટમાં વધતી અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળતા જોવા મળ્યા છે, જેના કારણે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.