Advertisement

શિક્ષણનગરી આણંદ-વિદ્યાનગર: સ્કૂલમાં 3 માસથી ઇ સિગારેટ વેચતો ધો. 10 નો છાત્ર પકડાયો

શિક્ષણનગરી આણંદ-વિદ્યાનગર:  સ્કૂલમાં 3 માસથી ઇ સિગારેટ વેચતો ધો. 10 નો છાત્ર પકડાયો

શિક્ષણનગરી આણંદ-વિદ્યાનગર: સ્કૂલમાં 3 માસથી ઇ સિગારેટ વેચતો ધો. 10 નો છાત્ર પકડાયો

શિક્ષણનગરી આણંદ-વિદ્યાનગર સમગ્ર વિશ્વમાં તેના શિક્ષણના લઈને એક આગવી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી આણંદ- વિદ્યાનગરમાં કેટલાંક લુખ્ખા- અસામાજિક તત્વો હવે કોલેજિયન યુવા-યુવતીઓને જ નહીં પરંતુ ટીનએજ વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. અલબત્ત, આવો જ એક કિસ્સો આણંદ-વિદ્યાનગર સ્થિત આવેલી એક ખ્યાતનામ સ્કૂલમાંથી પ્રકાશમાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થી પાસેથી સરકાર દ્વારા પ્રતિબંધિત બે ઈ-સિગારેટ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા વિદ્યાર્થી સહ અધ્યાયીઓને વેચવા માટે લાવ્યો હોવાની કબુલાત કરી હતી. છેલ્લાં ત્રણેક મહિનાથી તે આ પ્રકારે તેની બેગમાં સિગારેટ લાવતો હોવાનું પણ કબુલ્યું છે.

આણંદ-વિદ્યાનગરમાં આવેલી ધોરણ 1થી 12નો અભ્યાસક્રમ ચલાવતી એક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના સહઅધ્યાયીએ સિગારેટ આપી હોવાની ફરિયાદ શિક્ષકને કરી હતી. શિક્ષક પણ લાલ રંગના બોક્સમાં આવેલી સિગારેટ જોતાં જ ખુદ ચોંકી ઉઠ્યા હતા. તેમણે બંને વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં બંને ઈ-સિગારેટની માલિકી અંગે એકબીજા પર દોષારોપણ કરતા હતા. જેને પગલે શિક્ષક બંનેને આચાર્ય પાસે લઈ ગયા હતા. અગાઉ પણ બંને વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારે ઈ-સિગારેટ મળી હતી. બંનેના વાલીઓને બોલાવ્યા હતા. પરંતુ બંને વિદ્યાર્થી એકબીજાનું જ નામ આપતા હતા. સ્કૂલ સંચાલકોએ આણંદ પોલીસને જાણ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના બે કર્મીઓ તુરંત જ સ્કૂલમાં આવ્યા હતા અને આગવી ઢબે બંનેની પૂછપરછ કરી હતી. જેમાં આણંદ રહેતા છાત્ર ઢીલોઢસ થઈ ગયો હતો અને તે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા અને વેચતા એક દુકાનદાર પાસેથી ઈ-સિગારેટ લાવતો હોવાનું કબુલ્યું હતું. તે વિદ્યાર્થીઓને આ સિગારેટ રૂપિયા 700માં આપતો હતો. આ સ્કૂલમાં ઈ-સિગારેટ પકડાઈ હોય તેવો આ પ્રથમ બનાવ નથી.

આ સ્કૂલમાં ચાર વર્ષ પહેલાં અચાનક સ્કૂલ સત્તાધીશો સીસીટીવી તપાસતાં હતા ત્યારે ક્લાસમાંથી ધુમાડો નીકળતો હતો, જેને પગલે તપાસ કરી ત્યારે ધોરણ 12 વિદ્યાર્થીની બેગમાંથી ઈ-સિગારેટ મળી હતી. એ જ રીતે ગત વર્ષે પણ પાંચ વાર પ્રતિબંધિત સિગારેટ પકડાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાનગરમાં આવેલી અને જાણીતા ટ્રસ્ટની એક સ્કૂલમાં એકાદ માસ અગાઉ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલાંક વિદ્યાર્થીઓ પાસેથી 25થી વધુ ઈ-સિગારેટ પકડાઈ હતી. આ મામલે સ્કૂલ સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરેક વિદ્યાર્થીની સઘન પૂછપરછ કરતાં તેઓએ વિદ્યાનગરની એક પાન- મસાલા- બીડીની દુકાનેથી લાવ્યાનું કબુલ્યું હતું. જેને પગલે પોલીસે દરોડો પાડીને દુકાનદારની ધરપકડ કરી હતી.

ઈ-સિગારેટમાં પણ નિકોટીન હોવાથી હૃદય અને મગજને જોખમ

ફિલ્મો-મોબાઈલના રીલ્સ જોઈને આજનું યુવાધન વ્યસનના રવાડે ચઢતું હોય છે. ઈ-સિગારેટમાં પણ નિકોટીન આવે છે. નાની વયે આ પ્રકારના વ્યસનો શરૂ કરવાને કારણે ફેફસાં ઉપરાંત મગજ અને હૃદયને લગતી સમસ્યાઓ સર્જાય છે. હૃદયરોગ સમસ્યા સંબંધિત સમસ્યા તો ઉદભવે જ છે ઉપરાંત કુમળા મગજનો વિકાસ પણ અટકી જાય છે. ફેફસાને લગતી સમસ્યાને પગલે બાળકોમાં અસ્થમાનો રોગ થાય છે અને તેને કારણે પમ્પ લેવો પડતો હોય છે. - ડો. સમીર મલેક,એમ ડી ફિઝિશિયન

Advertisement