Advertisement

વાસદમાં 18 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ, ₹15.50 લાખનો મુદ્દામાલ જપ્ત

વાસદમાં 18 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ, ₹15.50 લાખનો મુદ્દામાલ જપ્ત

વાસદ ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતી 18 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ છે. વાસદ પોલીસે ટ્રકના ચાલક અને ક્લિનરની અટકાયત કરી કુલ ₹15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આણંદમાં સામરખા ચોકડી તરફથી વાસદ ટોલનાકા થઈ વડોદરા તરફ જતી ટ્રકમાં પશુઓને બાંધીને લઈ જવાતા હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા વાસદ પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી ટ્રકને રોકી હતી.

પોલીસે ટ્રક ચાલક શરીફભાઈ મઝરહુસૈન શેખ (રહે. સતલાસણ, મહેસાણા) અને ક્લિનર સલમાન ઝાકીરહુસૈન મન્સુરી (રહે. ખડીયાસણ, પાટણ) ને અટકમાં લીધા હતા. ટ્રકના પાછળના ભાગની તલાશી લેતા તેમાં 18 ભેંસો ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ ભેંસો માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નહોતી.

પશુઓ બાબતે પૂછપરછ કરતા ચાલક અને ક્લિનર સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. તેમજ પશુ હેરાફેરી માટેનો કોઈ દાખલો કે માલિકીનો લેખિત પુરાવો પણ રજૂ કરી શક્યા નહોતા.

જેથી પોલીસે ₹5,40,000 ની 18 ભેંસો, ₹10,00,000 ની ટ્રક અને ₹10,000 ના બે મોબાઈલ સહિત કુલ ₹15,50,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંને શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement