વાસદમાં ખાડાના કારણે કેમિકલ ટેન્કર પલટ્યું, મોટી દુર્ઘટના ટળી
વાસદ રેલવે ફાટક પાસે પડેલા ખાડાને કારણે મંગળવારે સાંજે જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ આણંદ, બોરસદ, ખંભાત ફાયરબ્રિગેડને કરવામાં આવતા જ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફોમનો મારો ચલાવી કેમિકલની અસરને ઓછી કરી દઈ રસ્તાને ખુલ્લો કરી દેવા તજવીજ હાથ ધરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જો કે મોડી રાત સુધી રોડ બ્લોક કરાયો હતો.
કંડલાથી મિગઝાલીન નામનું જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર વાઘોડિયા તરફ જઈ રહ્યું હતું. દરમિયાન, વાસદ ચોકડી પાસે તેનો ચાલક ટેન્કર લઈને પસાર થતો હતો ત્યારે વરસાદને કારણે પડેલાં મોટા ગાબડાને લઈને ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર પલટી ગયું હતું. જેને કારણે બાજુની રેલીંગ તુટી ગઈ હતી. બીજી તરફ પલટી જતાં કેમિકલ લીક થવા લાગ્યું હતું. આ બનાવની જાણ થતાં જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. બીજી તરફ આ અંગેની જાણ આણંદ અને બોરસદ ફાયરબ્રિગેડ તથા એ પછી ખંભાત ટીમને કરાતા જ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તુરંત જ સ્થળ પર પહોંચીને ફોમનો મારો ચલાવ્યો હતો.
અંદાજે 30 હજાર લિટર ફોમનો મારો ચલાવી કેમિકલની અસરને ઓછી કરવા પ્રયાસ કરાયો હતો. જોકે,આસપાસના વિસ્તારમાં મોડી સાંજે આંખોમાં બળતરા સહિતની ફરિયાદ ઉઠી હતી. નોંધનીય છે કે, આ બનાવને પગલે વાસદ ચોકડીથી બગોદરા અને આસોદર ચોકડીથી વાસદ તરફનો રોડ બ્લોક કરાયો હતો. આ ઘટના બની એ પછી ટ્રાફિક જામ ન થાય તે હેતુસર પોલીસની ટીમ દ્વારા તુરંત જ વાહનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને પાંચ કલાક સુધી ટેન્કરને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.