Advertisement

વધારાની બસ નહીં તો ચક્કાજામ: બોરસદ: ગંભીરા રૂટ પર વિદ્યાર્થીઓનો આક્રોશ

વધારાની બસ નહીં તો ચક્કાજામ: બોરસદ: ગંભીરા રૂટ પર વિદ્યાર્થીઓનો આક્રોશ

બોરસદ પંથકમાં એસ.ટી. નિગમની લાલિયાવાડીનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. બોરસદથી ગંભીરા તરફ જતાં રૂટ પર છેલ્લા કેટલાય સમયથી બસોની અનિયમિતતા અને અછતને કારણે સેંકડો વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે. હાલત એવી છે કે 150થી વધુ વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ બસ ફાળવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે.

મંગળવારે સાંજના સમયે આ ખીચોખીચ ભરેલી બસ ભાદરણ ચોકડી પાસે અચાનક બગડી પડતા વિદ્યાર્થીઓના ધૈર્યની સીમા તૂટી હતી. બસ બગડવાને કારણે 150થી વધુ વિદ્યાર્થીઓ રસ્તા પર રઝળી પડ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ બસ વારંવાર બગડી જાય છે, જેને કારણે તેઓ સમયસર ઘરે પહોંચી શકતા નથી. રાત્રિના સમયે અંધારામાં રસ્તા પર અટવાઈ જવાથી વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

ભાદરણ ચોકડી પર એકત્ર થયેલા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે પાસના પૈસા ભરીએ છીએ છતાં અમને પૂરતી સુવિધા મળતી નથી. એક બસમાં 150 જણા કેવી રીતે સમાઈ શકે? વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ રૂટ પર નવી અને વધારાની બસ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ ચક્કાજામ અને ડેપોનો ઘેરાવો કરશે.

Advertisement