Advertisement

વણોતી ગામમાં ગ્રામપંચાયત નજીક બે મકાનમાં ચોરી, સોના-ચાંદી અને રોકડ પર હાથ સાફ

વણોતી ગામમાં ગ્રામપંચાયત નજીક બે મકાનમાં ચોરી, સોના-ચાંદી અને રોકડ પર હાથ સાફ

ઠાસરા તાલુકાના વણોતી ગામમાં ચોરીની ઘટનાએ ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે. વણોતી ગ્રામપંચાયત અને દૂધની ડેરી નજીક આવેલા બે મકાનોમાં એક જ રાત દરમિયાન તાળા તોડી સોના-ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, એક મકાનમાંથી ચોરોએ અંદાજે રૂ. 32,000 રોકડા ચોરી લીધા હતા. જ્યારે બીજા મકાનમાંથી ચોરોએ રૂ. 2 લાખથી વધુ કિંમતનું ચાંદી-સોનાનું દાગીનુ, જેમાં ત્રણ સોનાની વીંટી, સોનાની બુટ્ટી તથા રૂ. 6,200 રોકડા રકમ ચોરી કરી હતી.


રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ સવારે થતા જ મકાન માલિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એક જ રાતમાં બે મકાનના તાળા તૂટતાં સમગ્ર વણોતી ગામમાં ચોરીના બનાવને લઈ ચકચાર મચી ગઈ છે.


ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે તેમજ ચોરોને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.


આ ઘટનાને પગલે ગ્રામજનોમાં અસુરક્ષાનો ભાવ વ્યાપી ગયો છે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.

Advertisement