વડોદરાના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટના તમામ પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા, વકીલો અને અસીલોનો પ્રવેશ રોકી દેવાયો હતો તેમજ કોર્ટનું કામકાજ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણી પૂર્વે મળેલી આ ધમકીના પગલે ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
અગાઉ પણ કોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી અને ધમકી અફવા સાબિત થઈ હતી. હાલમાં સાયબર સેલ અને પોલીસ વિભાગ મેલના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહ્યા છે. વારંવાર મળતી આવી ધમકીઓ પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે દિશામાં તપાસ ચાલુ છે.