વડોદરામાં ભાજપના સ્વાગત તૈયારીઓ પર વિવાદ
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગામી વડોદરા પ્રવાસ (14મી ઓક્ટોબર) પૂર્વે શહેરમાં એક મોટો વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાની સ્વાગતની તૈયારીઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યાં છે.
રાત્રે વીજ પોલ પર ઝંડા લગાવતા કર્મચારીઓ
વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ રાજકીય પક્ષના પ્રચારના કામમાં લાગ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. રવિવારે (12મી ઓક્ટોબર) મોડી રાત્રે એરપોર્ટ સર્કલ પાસે વોર્ડ નંબર 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટરના છ જેટલા કર્મચારીઓ બે ટેમ્પોમાં વીજ પોલ ઉપર ભાજપના ઝંડા લગાવતા જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, વોર્ડ નંબર 13ના કર્મચારીઓ વોર્ડ નંબર 4 અને 7ની હદમાં આ કામગીરી કરી રહ્યા હતા.