Advertisement

લીંગડા ગામે જિલ્લા કક્ષાની ઓફ-સાઈટ મોકડ્રીલ, પેટ્રોલિયમ પાઇપલાઇન આગનું કાલ્પનિક દૃશ્ય

લીંગડા ગામે જિલ્લા કક્ષાની ઓફ-સાઈટ મોકડ્રીલ, પેટ્રોલિયમ પાઇપલાઇન આગનું કાલ્પનિક દૃશ્ય

આણંદ જિલ્લાના લીંગડા ગામ ખાતે જિલ્લા કક્ષાની ઓફ-સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલમાં પેટ્રોલિયમ પાઇપલાઇનમાંથી ચોરીના પ્રયાસ બાદ લીકેજ થવાથી અને સિગારેટના કારણે આગ લાગવાના કાલ્પનિક દૃશ્યનું નિદર્શન કરાયું હતું. આ મોકડ્રીલ કલેક્ટર અને આણંદ જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના ચેરમેનના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.


આ મોકડ્રીલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ, એચપીસીએલ - પીવીપીએલ વડોદરા રિસીવિંગ સ્ટેશન અને આઈઓસીએલ – કોયલી પાઇપલાઇન ડિવિઝનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. ડ્રીલ દરમિયાન, લીંગડા ગામ પાસેથી પસાર થતી પેટ્રોલિયમ પાઇપલાઇનમાંથી ચોરો દ્વારા ઉત્પાદનની ચોરીનો પ્રયાસ કરાયો હતો. સુરક્ષાકર્મીઓ પહોંચતા ચોરો નાસી છૂટ્યા હતા.


ચોરીના પ્રયાસ બાદ પાઇપલાઇનમાં લીકેજ થતા પેટ્રોલિયમ પ્રોડક્ટ જમીન પર ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સિગારેટ ફેંકવામાં આવતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ કાલ્પનિક આગને કાબૂમાં લેવા માટે IOCL વડોદરા, HPCL વડોદરા, BPCL થામણા અને ઉમરેઠ ફાયર સર્વિસની ટીમોએ સંકલન સાધીને કામગીરી કરી હતી.


આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવીને મોટા નુકસાનને અટકાવવામાં આવ્યું હતું. મોકડ્રીલના અંતે યોજાયેલી ચર્ચા દરમિયાન, નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદના મદદનીશ નિયામક શ્રીમતી આર. એમ. રાઠવાએ જિલ્લામાં કટોકટીના સમયે આણંદ જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સભ્યો દ્વારા કરવાની થતી કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી.


તેમણે IOCL વડોદરા, HPCL વડોદરા, BPCL થામણા અને ઉમરેઠ ફાયર સર્વિસની ટીમને ઓફ-સાઈટ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ બિરદાવ્યા હતા. આ મોકડ્રીલમાં શ્રીમતી રીનાબેન રાઠવા (મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય), જે. એન. પંચાલ (ઉપ પોલીસ અધિક્ષક, આણંદ), શ્રીમતી એસ. એચ. બુલાન અને તેમની ટીમ (પોલીસ ઇન્સ્પેક્ટર, ઉમરેઠ પોલીસ), પવન શર્મા (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ), સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (S.O.G.), તેમજ સ્થાનિક ફાયર વિભાગ અને પીએચસીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Advertisement