ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક બાજુ તે ટી-20 વર્લ્ડ કપમાં દેશ માટે મેદાન પર જંગ લડી રહ્યો હતો, ત્યારે બીજી બાજુ તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.
પિતા ખાનચંદ સિંહનું નિધન
રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહ છેલ્લા ઘણા સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તબિયત વધુ બગડતા તેમને ગ્રેટર નોઈડાની Yatharth Hospital માં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ અને કિડની રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવી રહી હતી, પરંતુ તમામ સારવાર છતાં તેઓ કેન્સર સામેની લડાઈ હારી ગયા.
વર્લ્ડ કપ વચ્ચે માનસિક સંઘર્ષ
સાઉથ આફ્રિકા સામેની હાર બાદ જ્યારે ટીમ ચેન્નાઈ પહોંચી ત્યારે પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ તાત્કાલિક ટીમ છોડીને ઘરે ગયો હતો. બાદમાં ઝિમ્બાબ્વે સામેના મહત્વના મેચ પહેલા તે ફરી ટીમ સાથે જોડાયો, પરંતુ પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નહોતું.
26 ફેબ્રુઆરીએ ભારતે મેચ જીતી લીધો, પરંતુ રિંકુ માટે આ જીત પિતાના અવસાનના દુઃખમાં ફેરવાઈ ગઈ.
ફરી ટીમ છોડશે
પિતાના નિધન બાદ રિંકુ સિંહ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ઘરે પરત ફરશે. ભારતનો આગામી અને નિર્ણાયક મુકાબલો 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં રમાવાનો છે.
હવે જોવાનું એ રહેશે કે આ વ્યક્તિગત આઘાતમાંથી બહાર આવીને રિંકુ ટીમ સાથે ફરી જોડાઈ શકે છે કે નહીં.