રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે વિશ્નોલીમાં 13 વર્ગખંડોનું લોકાર્પણ કર્યું
પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામે રૂ1.75 કરોડ ના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના 13 વર્ગખંડોનું લોકાર્પણ રાજયકક્ષાના નાણાં મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડો બનાવવા માટે પૂરતા પ્રમાણમાં જરૂરી નાણાકીય ફંડ આપવામાં આવે છે અને દરેક ગામ ખાતેની પ્રાથમિક શાળાઓમાં ખૂટતા વર્ગખંડો નવા બનાવવામાં આવી રહ્યા છે, તેમ ઉમેરી શિક્ષકો અને વાલીઓ પણ બાળકોની ચિંતા કરે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આજનું યુવાધન શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને ઉપયોગી બનશે તેમ પણ જણાવ્યું હતું.
મંત્રીએ પ્રાથમિક શાળાના ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા યુક્ત સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સહિતની પ્રાથમિક શાળા ખૂબ જ ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું. આ તબક્કે મંત્રી એ ગામના દાતાઓ અને વિદેશમાં રહીને પણ ગામની સેવા કરતા અને શિક્ષણ ની જ્યોત જગાવતા દાતાઓને પણ યાદ કર્યા હતા અને તેમને અભિનંદન આપ્યા હતા.
આ શાળા ના લોકાર્પણ પ્રસંગે મંત્રી અને મહાનુભાવના હસ્તે ગામના દાતાઓ તેમજ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ બોર્ડ પરીક્ષા માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.