Advertisement

યુદ્ધની અસર: પેટ્રોલ-ડીઝલ અને ગેસ પુરવઠા પર હવે સરકારનું નિયંત્રણ

યુદ્ધની અસર: પેટ્રોલ-ડીઝલ અને ગેસ પુરવઠા પર હવે સરકારનું નિયંત્રણ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ રહી છે, જેની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર બુકિંગનો સમયગાળો વધારીને 25 દિવસ કર્યો છે. સાથે સાથે દેશભરમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને નેચરલ ગેસ માટે Essential Commodities Act (આવશ્યક ચીજવસ્તુ ધારો) લાગુ કરવામાં આવ્યો છે, જેથી ઈંધણનો પુરવઠો સામાન્ય લોકોને સમાન રીતે મળી રહે.


કાયદા હેઠળ સરકારના નિયંત્રણ


આ કાયદા હેઠળ પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે કયા વિસ્તારમાં કેટલો જથ્થો મોકલવો. ઉપરાંત ઈંધણની સંગ્રહખોરી અથવા નફાખોરી કરતા વેપારીઓ અને એજન્સીઓ સામે કડક કાર્યવાહી અને ગુનો દાખલ કરવામાં આવશે.


ગેસ પુરવઠા માટે પ્રાથમિકતાઓ નક્કી


કેન્દ્ર સરકારે ગેસની વહેંચણી માટે અલગ-અલગ પ્રાથમિકતાઓ નક્કી કરી છે. પ્રથમ પ્રાથમિકતા હેઠળ ઘરેલુ PNG ગેસ પુરવઠો, પરિવહન માટે CNG અને LPG ઉત્પાદનને મહત્વ આપવામાં આવશે. આ કેટેગરીમાં આવતાં ગ્રાહકોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશ મુજબ 100 ટકા ગેસ પુરવઠો આપવામાં આવશે.


અન્ય ક્ષેત્રો માટે મર્યાદિત પુરવઠો


દ્વિતીય પ્રાથમિકતા હેઠળ ખાતર ઉત્પાદક પ્લાન્ટને ગેસ આપવામાં આવશે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ખાતર ઉત્પાદન માટે જ કરી શકાશે. તૃતીય પ્રાથમિકતા હેઠળ ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને નેશનલ ગેસ ગ્રીડ દ્વારા તેમના સરેરાશ વપરાશના 80 ટકા સુધી પુરવઠો આપવામાં આવશે. ચોથી પ્રાથમિકતા હેઠળ ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને પણ છેલ્લા છ મહિનાના વપરાશના 80 ટકા સુધી જ ગેસ મળશે.


કેટલાક ક્ષેત્રોમાં ગેસ વપરાશમાં કાપ


સરકારના નિર્ણય અનુસાર કેટલાક મોટા ક્ષેત્રોમાં ગેસ વપરાશમાં કાપ મૂકવામાં આવશે. તેમાં ONGC, ગેલ અને રિલાયન્સ જેવા મોટા એકમો, વીજળી પેદા કરતા પાવર પ્લાન્ટ્સ અને ઓઈલ રિફાઈનરીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઓઈલ રિફાઈનરીઓના ગેસ વપરાશમાં 65 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે.


ફરી વેચાણ પર પ્રતિબંધ


સરકાર દ્વારા ફાળવાયેલ ગેસ કોઈ પણ એકમ અથવા કંપની ત્રીજી પાર્ટીને ફરીથી વેચી શકશે નહીં. આ નિયમનો હેતુ ગેસનો યોગ્ય અને ન્યાયસંગત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.

Advertisement