આણંદ જિલ્લામાં આગામી તા.૧૧ મી ફેબ્રુઆરી, શુક્રવારના રોજ આણંદ ખાતે અમૂલમાં યોજાનાર અમૂલ એઆઈ (AMUL AI) પ્લેટફોર્મના લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાને લઈ પ્રોટોકોલ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતોનું યોગ્ય આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, સાફ-સફાઇ સહિત રૂટ પરના વાહનવ્યવહારના નિયમન અને પાર્કિંગની સુવિધા સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ બાબતે સઘન ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, આણંદના પ્રાંત મયુર પરમાર, નાયબ પોલીસ અધિક્ષક, GCMMF ના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મેહતા, અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસ, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.