Advertisement

મુખ્યમંત્રીને પત્ર, આણંદના 96 એચઆઇવી દર્દીઓને એક વર્ષથી તબીબી સહાય નથી મળી

મુખ્યમંત્રીને પત્ર, આણંદના 96 એચઆઇવી દર્દીઓને એક વર્ષથી તબીબી સહાય નથી મળી

આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર કનુભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત પત્ર લખીને જિલ્લામાં 96 એચઆઇવી પીડિતોને મળતી સરકારી તબીબી સહાયમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેતા દર્દીઓને છેલ્લા એક વર્ષથી એટલે કે વર્ષ 2024/2025ની સરકારી સહાયની રકમ મળી નથી.

અરજદારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે તેમને પણ લાંબા સમયથી આ આર્થિક મદદ મળી નથી, જે સામાન્ય રીતે તેમના બેંક ખાતામાં જમા થતી હોય છે. જ્યારે સરકાર દ્વારા વિધવા સહાય, વૃદ્ધ સહાય અને ખેડૂત સહાય જેવી યોજનાઓનો લાભ સમયસર આપવામાં આવતો હોય, ત્યારે અત્યંત ગંભીર બીમારીનો સામનો કરી રહેલા આ દર્દીઓની તબીબી સહાય કેમ રોકી રાખવામાં આવી છે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

વધુમાં, અરજદારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળેલી 8 તાલુકાઓની માહિતીના પુરાવાઓ પણ બિડાણ તરીકે રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સરકાર આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ, માનવીય અભિગમ અપનાવીને લાંબા સમયથી બાકી રહેલી સહાયની રકમ વહેલી તકે તમામ દર્દીઓના ખાતામાં જમા કરાવે. આ રજૂઆત દ્વારા જિલ્લાના અનેક અસરગ્રસ્ત દર્દીઓની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા અને તેમને યોગ્ય સારવારમાં મદદ મળી રહે તે માટે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Advertisement