મહુધા તાલુકાના મહીસા ખાતેની સેવા સહકારી મંડળીમાંથી ગરીબોના હક્કનું અનાજ એક ભારદારી વાહનમાં સહેવાગે થતું હોવાનો સ્થાનિક જાગૃત જન દ્વારા ઉતારેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી છે.
છેલ્લાં કેટલાક સમયથી દુકાનદારોને ગોડાઉન પરથી અનાજની એક બોરીએ દોઢ થી બે કિલોની ઘટ આવતી હોવાની ફરિયાદો ચાલી રહી છે.ત્યારે બીજી તરફ મહીસા સેવા સહકારી મંડળીમાંથી ગરીબોના અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનું સામે આવતાં પંથકમાં ભારે રોષ ફેલાયો છે.
મહીસા ખાતેની મંડળીમાંથી ગત નમતી સાંજના પોણા સાત વાગ્યાની આસપાસ આઈસર ટ્રકમાં સેવા સહકારી મંડળીમાંથી અનાજનો જથ્થો ભરવામાં આવી રહ્યો હતો.જેનાં પગલે ત્યાંથી પસાર થતાં સ્થાનિક જાગૃત નાગરિક સાબિરમિયા મલેક દ્વારા સમગ્ર ઘટનાક્રમનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો
એટલું જ નહીં પરંતુ તેઓએ સ્થળ પરથી જ સ્થાનિક તલાટી કમ મંત્રી સહિત મામલતદાર કચેરીમાં પણ જાણ કરી હતી.તેમ છતાં પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી નથી.પ્રાપ્ત માહિતી મુજબ ગામની મંડળીમાં મહિસાના પરા વિસ્તારના ગરીબ લોકોનું અનાજ ફાળવવામાં આવે છે.
ત્યારે સમગ્ર મામલે બારોબાર સગેવગે થતા અનાજના જથ્થાને પગલે તટસ્થ તપાસ મંડળીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.