Advertisement

મન મક્કમ હોય તો દુનિયા બદલી શકાય

મન મક્કમ હોય તો દુનિયા બદલી શકાય

જે મનુષ્ય પોતાના નિષ્ચયમાં દ્રઢ અને અટલ હોય છે, તે મનુષ્ય દુનિયાને પોતાની રીતે બદલવાની શક્તિ ધરાવે છે. સંકલ્પ એ માનવીના જીવનનો આધારસ્તંભ છે. સંકલ્પ વિના જીવન દિશાહીન બની જાય છે, જ્યારે દ્રઢ સંકલ્પ જીવનને ઊંચાઈ આપે છે.


ભારતભૂમિ એવી મહાન વ્યક્તિઓની જન્મભૂમિ રહી છે, જેમણે દેશ માટે દ્રઢ સંકલ્પ કર્યો અને તેને સાકાર કર્યો. મહાત્મા ગાંધીજીએ સંકલ્પ કર્યો કે અંગ્રેજોને ભારતમાંથી હંફાવી કાઢીશ, અને અહિંસાના માર્ગે ચાલીને તેમણે પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો. સરદાર પટેલે વિખરાયેલાં રજવાડાં એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. સુભાષચંદ્ર બોઝે સ્વાતંત્ર્ય માટે પ્રાણપણે સંઘર્ષ કર્યો, તો છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યનો સંકલ્પ કરી ઇતિહાસ રચ્યો.

અંગ્રેજીમાં કહેવત છે – “Where there is a will, there is a way”

અર્થાત્ મન હોય તો માળવે જવાય. જેમ પરાગ પુષ્પરૂપે પાંગરે છે, તેમ સંકલ્પ સિદ્ધિરૂપે પરિણામ આપે છે. સંકલ્પ બીજ સમાન છે, જે શ્રદ્ધા અને પરિશ્રમના પાણીથી સફળતાનું વૃક્ષ બને છે.

માનવીના મનમાં ઉત્કટ સંકલ્પો ગતિશીલ હોય છે. સંકલ્પના તરંગો કોઈપણ કૃત્રિમ કે કુદરતી અવરોધોને ગણકાર્યા વગર દૂર સુધી પહોંચે છે. જ્યાં સંકલ્પ સચ્ચો હોય, ત્યાં સફળતા આપોઆપ ખેંચાઈ આવે છે.

સરોવરનાં કાંઠે બેસી શબરીએ રામનામનો જાપ કર્યો. “મારા અંતરનાં રામ એક દિવસ જરૂર આવશે” — આ તીવ્ર સંકલ્પ રામ સુધી પહોંચ્યો અને પ્રભુ રામ શબરીની જુપડીએ પધાર્યા. સંકલ્પની આ શક્તિનો અદ્ભુત ઉદાહરણ છે.

અરુણીમા સિન્હાએ એક પગ ન હોવા છતાં સંકલ્પ કર્યો કે એક દિવસ માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. દ્રઢ ઇચ્છાશક્તિ અને અડગ પુરુષાર્થથી તેમણે પોતાનો સંકલ્પ પૂર્ણ કરી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી.

પ્રખ્યાત લેખક રિચાર્ડ બાખ કહે છે – “Thoughts are wings”

વિચાર અને સંકલ્પ પાંખો સમાન છે. પહેલાં સંકલ્પની પાંખ ફૂટવી જોઈએ, ત્યાર બાદ જ સફળતાનું આકાશ પાર કરી શકાય. “જોનાથન લિવિંગ્સ્ટન સીગલ”માં પણ સંકલ્પની આ જ શક્તિ દર્શાવવામાં આવી છે.

સંકલ્પની સિદ્ધિ માટે ધ્યેયની સ્પષ્ટતા, શ્રદ્ધા અને શ્રમ જરૂરી છે. પરીક્ષામાં પ્રથમ ક્રમ લાવવાનો સંકલ્પ કરીને આખો દિવસ ટીવી જોવામાં અને ફરવામાં સમય વેડફાય, તો સફળતા કેવી રીતે મળે? સંકલ્પ સાથે પુરુષાર્થ અનિવાર્ય છે.

સંકલ્પની પાછળ જો શ્રદ્ધા, વિશ્વાસ અને મહેનત ન હોય, તો તે માત્ર ખાલી કલ્પના બની રહે છે. એવરેસ્ટ ચઢવાનો સંકલ્પ કરીને જો આરામ અને સુખસગવડ જ શોધવામાં આવે, તો સંકલ્પ પૂર્ણ થતો નથી.

The power of thought is the magic of the mind.

સંકલ્પમાં અસીમ શક્તિ ભરેલી છે. નેપોલિયન કહે છે — “સાચું ડહાપણ એ દ્રઢ સંકલ્પ છે.”

કિટલીની વરાળથી ઢાંકણું ઊંચું-નીચું થતું જોઈ સ્ટીવનસનને વિચાર આવ્યો અને સ્ટીમ એન્જિનનું અવিষ્કાર થયો. કોલંબસે સંકલ્પના સહારે જાનના જોખમે અમેરિકા ખંડ શોધ્યો. એટલે જ કવિ ઈકબાલ કહે છે —
“ઢુંઢને વાલો કો દુનિયા ભી મિલતી હૈ.”

નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સંકલ્પ કર્યો કે એક દિવસ દેશનો વડાપ્રધાન બનીશ, અને અડગ નિષ્ઠાથી પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો.

અંતમાં, ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ મંગળ કાર્ય પહેલાં હાથમાં જળ લઈને વૈદિક સંકલ્પ કરવામાં આવે છે. કારણ કે આપણા ઋષિઓ જાણતા હતા કે સંકલ્પ વિના કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી.

સાહિલ કુંભાણી

ચેનલ હેડ 

અર્બન ગુજરાત



Advertisement