ભાલેજ ઓવરબ્રિજ પર કમિશનર મિલિંદ બાપના અને કલેક્ટર પ્રવીણ ચૌધરીની મુલાકાત

આણંદ: ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશો અનુસાર આણંદ કલેકટર શ્રી અને આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરી અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ આજે આણંદ ભાલેજ રોડ ઈસ્માઈલનગર સ્થિત ઓવરબ્રિજ અને ગણેશ ચોકડી રાજોડપુરા સ્થિત ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

આ સમયે તેમની સાથે કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી, સ્ટ્રક્ચર એન્જિનિયર શ્રી હેતલબેન ભટ્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરશ્રી અને કમિશનર શ્રી ને બ્રિજની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
કલેક્ટરશ્રીએ બ્રિજ ઉપર સાઈડમાં વેજીટેસન દૂર કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી, આ ઉપરાંત બ્રિજ ઉપર ફૂટપાથ ડેમેજ જણાય છે, જે સેક્શનની રીપેરીંગ કરવા માટે તાત્કાલિક રેલવે તંત્રને જાણ કરવા જણાવ્યું હતું, જે અંગે કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા રેલવેના અધિકારીઓને ફોન દ્વારા જાણ કરી હતી અને તે અંગેનો પત્ર પણ લખી તાકીદે રેલવે ઓવર બ્રિજ ફૂટ પાથનું રીપેરીંગ કામ કરવા જણાવ્યું હતું.
સ્ટ્રક્ચર એન્જિનિયર શ્રી હેતલબેન ભટ્ટે ભાલેજ રોડ બ્રિજ ઉપર સેફટી માટે રેલિંગની હાઈટ વધારવાની જરૂરિયાત જણાય છે, તેમ જણાવ્યું હતું.
આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર શ્રી જીગર પટેલને આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ અને રસ્તાઓ ઉપર વરસાદના કારણે ખરાબ થયેલ રોડ તાકીદે મોટરરેબલ બનાવવા માટે સૂચના આપી હતી.