અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતીય ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે.
ફાઈનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં શાનદાર પ્રદર્શન કરીને 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ભારતીય બેટ્સમેનોના આક્રમક બેટિંગ અને બોલરોના સચોટ પ્રદર્શનના કારણે ટીમે આ ઐતિહાસિક જીત હાંસલ કરી.
આ જીત સાથે ભારત હવે ટી20 વર્લ્ડકપ ત્રણ વખત જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. અગાઉ ભારતે વર્ષ 2007 અને 2024માં ટ્રોફી જીતી હતી, જ્યારે હવે 2026માં ત્રીજી વખત ચેમ્પિયન બનીને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
એટલું જ નહીં, ભારત સતત બે વખત ટી20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ટીમ પણ બની છે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની બાબત ગણાય છે.
આ ઉપરાંત ભારત પોતાના જ દેશમાં ટી20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ટીમ પણ બની છે. હોમ ગ્રાઉન્ડ પર મળેલી આ ઐતિહાસિક જીતને લઈને સ્ટેડિયમમાં હાજર હજારો ક્રિકેટ પ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.
ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક શહેરોમાં ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરીને આતશબાજી અને નારા સાથે ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા.
આ રીતે ભારતે T20 વર્લ્ડકપ 2026 જીતીને વિશ્વ ક્રિકેટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે અને ક્રિકેટ ઈતિહાસમાં નવા રેકોર્ડ નોંધાવ્યા છે.