Advertisement

બોરસદ–વાસદ રોડ પર પાન કોર્નર પરથી ગેરકાયદે પેપર ઝડપાયા

બોરસદ–વાસદ રોડ પર પાન કોર્નર પરથી ગેરકાયદે પેપર ઝડપાયા

આણંદ LCB પોલીસે બોરસદ-વાસદ રોડ પર આવેલા માંગલિક પાન કોર્નર પર દરોડો પાડી પ્રતિબંધિત સ્મોકિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દુકાનમાંથી 504 નંગ ગોગો પેપર સ્ટ્રીપ અને પેપર કોન જપ્ત કર્યા છે.

ગુજરાત સરકાર દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ, વેચાણ કે હેરાફેરી ન કરવા આદેશ કર્યો છે. પોલીસને આ જાહેરનામાનો અસરકારક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

આ આદેશના અનુસંધાને, LCB પીઆઈ એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આવા કેસો શોધી કાઢવા માટે LCB પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ગુરુવારે LCB સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહને બાતમી મળી હતી કે બોરસદ-વાસદ રોડ પરના માંગલિક પાન કોર્નરમાં પ્રતિબંધિત સ્મોકિંગ પેપરનું વેચાણ થાય છે.

આ માહિતીના આધારે, LCB સ્ટાફના માણસોએ બોરસદ-વાસદ ચોકડી પાસે આવેલી દુકાન પર દરોડો પાડ્યો હતો. દુકાનમાં તપાસ કરતા ત્યાં હાજર વિપુલ પટેલ (ઉં.વ. 43) પાસેથી ગોગો પેપર સ્ટ્રીપ અને પેપર કોનના કુલ 9 બોક્સ, જેમાં કુલ 504 નંગ હતા, મળી આવ્યા હતા. પોલીસે વિપુલ પટેલ વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement