બોરસદ તાલુકા પંચાયત ખાતે કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં તાલુકાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આગામી નાણાકીય વર્ષના બજેટ અને વિકાસકાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
સભામાં વર્ષ 2025-26 માટેનું સુધારેલું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ 2026-27 માટેનું અસલ અંદાજપત્ર પણ ચર્ચા-વિચારણા બાદ મંજૂર કરાયું હતું. બજેટમાં તાલુકાના માર્ગ, પાણી, સ્વચ્છતા, શિક્ષણ અને ગ્રામ વિકાસના વિવિધ કામોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન તાલુકાના વિવિધ ગામોમાં બાકી રહેલા વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને લોકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા સૂચનાઓ તથા માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ઝડપ જાળવવા પ્રતિબદ્ધ છે. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ સભ્યોને વિકાસકાર્યોમાં સહકાર આપી તાલુકાને પ્રગતિના પંથે આગળ ધપાવવા અપીલ કરી હતી.
સભામાં તાલુકા વિકાસ અધિકારી (TDO) નરેશભાઈ લાડુમોર, ઉપપ્રમુખ લક્ષ્મીબેન પરમાર, કારોબારી ચેરમેન મફતભાઈ સોલંકી સહિત તાલુકા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ સભા સુચારુ રીતે સંપન્ન થઈ હતી અને તાલુકાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.