બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાં વિકાસ કામોના નામે થયેલી આર્થિક ગેરરીતિના આરોપો વચ્ચે તાલુકા પંચાયત તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જંત્રાલ ગામના મહિલા સરપંચ દક્ષાબેન જગદીશભાઈ પરમારને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે.
મળતી વિગતો અનુસાર સરપંચ દક્ષાબેન પરમારના કાર્યકાળ દરમિયાન વિકાસ કામો અને મટીરીયલ સપ્લાયના નામે ક્રિષ્ના ટ્રેડર્સને બે અલગ અલગ ચેક મારફતે કુલ રૂ. 4.88 લાખની ચુકવણી કરવામાં આવી હતી. આ મામલે શંકા ઉભી થતા ગ્રામ પંચાયત જંત્રાલના વર્ષ 2024-25 અને 2025-26 ના વાઉચર ફાઈલ, રોજમેળ, ચેકબુક, પાસબુક તેમજ ઠરાવબુક સહિતના મહત્વના રેકોર્ડ તપાસ માટે તાલુકા પંચાયત કચેરી બોરસદ ખાતે જમા લેવામાં આવ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી (પંચાયત) તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં કરવામાં આવેલી રેકોર્ડ ચકાસણી દરમિયાન ખુલાસો થયો કે ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામો માટે સામાન્ય સભામાં એજન્સી નક્કી કર્યા વગર જ ક્રિષ્ના ટ્રેડર્સને એકાઉન્ટ પે ચેકથી નાણા ચુકવવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે ક્રિષ્ના ટ્રેડર્સના માલિક દિપાલીબેન ઈલેશભાઈ પરમાર સરપંચ દક્ષાબેન પરમારની પુત્રવધુ હોવાનું નોંધાયું હતું.
આ બાબતને ગંભીર અનિયમિતતા ગણાવી તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી. સરપંચની કબુલાત તેમજ તલાટી કમ મંત્રીના રૂબરૂ નિવેદન અને રેકોર્ડ ચકાસણીના આધારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા દક્ષાબેન જગદીશભાઈ પરમારને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.આ આદેશ અનુસાર સરપંચનો ચાર્જ હવે ઉપસરપંચ ઈશ્વરભાઈ મગનભાઈ ઠાકોરને સુપ્રત કરવામાં આવનાર છે. સમગ્ર ઘટનાએ જંત્રાલ ગામ સહિત બોરસદ તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.