બોરસદમાં ગુમ થયેલો 12 વર્ષીય બાળક 15 દિવસ બાદ પુનામાં સહીસલામત મળ્યો
બોરસદના કઠાણામાં પતંગ ચગાવવાનું કહીને ઘરેથી નીકળેલો 12 વર્ષીય બાળકનો આખરે 15 દિવસ બાદ સહીસલામત પુનામાંથી મળી આવતા આખરે પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદના કઠાણા ગામ સ્થિત પ્રાથમિક શાળા પાસે રહેતા 30 વર્ષીય વૈશાલીબેન ઘનશ્યામભાઈ પરમારનો પુત્ર દક્ષેશ પતંગ ચગાવવા જાઉ છું તેમ કહીને ગત 2 જાન્યુઆરીના રોજ ઘરેથી નીકળ્યો હતો. એ પછી મોડી સાંજ સુધી તે ઘરે પરત ફર્યો નહોતો. જેને પગલે ચિંતામાં મુકાયેલા પરિવારજનોએ તેની ઠેકઠેકાણે તપાસ હાથ ધરી હતી. જેમાં તેની કોઈ ભાળ મળી નહોતી. પરિવારજનોએ આખરે વિરસદ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા તે રેલવે સ્ટેશનેથી પૂના જતી ટ્રેનમાં બેઠો હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે, ટ્રેનમાં બેસતા જ તે સુઈ ગયો હતો, એ પછી પુના રેલવે સ્ટેશન આવતા ત્યાં જ ઉતરી ગયો હતો. જોકે, પોલીસ દ્વારા ગુમ થયાની જાણ તમામ રેલવે ચાઈલ્ડ લાઈન હેલ્પલાઈનને કરતા જ બાળકને શોધી કાઢી તુરંત જ આ અંગે આણંદ પોલીસને જાણ કરી હતી.